અમદાવાદઃ 16 જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે. જે અંતર્ગત ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર આવતીકાલે કોરોના વેક્સીનનો જથ્થો આવશે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. અલબત્ત આજે સોમવારે બપોરમાં એવા અહેવાલ આવ્યા હતા કે સાંજે કોરોના વેક્સીન આવશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ટ્વિટ કરી કહ્યુ કે, 'ગુજરાતમાં મંગળવારે ગુજરાતમાં કોરોના વેક્સીનનો પ્રથમ જથ્થો તા.૧૨.૦૧.૨૦૨૧, મંગળવાર સવારે ૧૦.૪૫ કલાકે સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદ ખાતે આવશે.'



ઉલ્લેખનિય છે કે, આ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના વાયરસની રસીકરણની માહિતી આપતા કહ્યુ હતુ કે રાજ્યમાં છ સ્થળો વેક્સિન સ્ટોરેજની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે પણ રસીકરણ કેન્દ્ર હશે ત્યાં ત્રણ રૂમની વ્યવસ્થા હશે. જો કોઈ વ્યક્તિને રસી બાદ કોઈ તકલીફ થાય તો તે માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. ભારતમાં જ કોરોના વેક્સિનનું નિર્માણ એ આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ગુજરાત વેક્સીનેશન માટે સંપૂર્ણ સજ્જ છે. રાજ્યમા વેકસિન સ્ટોરેજને લઈ 6 રિજનલ સેન્ટર બનાવાયા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને ગાંધીનગરમાં વેક્સિન સ્ટોરેજ કરવામાં આવશે. આ છ મુખ્ય સેન્ટર પરથી અલગ અલગ જિલ્લાઓમાં વેક્સીન મોકલવામાં આવશે.