ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધતાં રાજ્યનાં ચાર મોટાં શહેરો અમદાવદ, રાજકોટ, સુરત અને વડોદરામાં દિવસના કેટલાક કલાકો દરમિયાન પણ કરફ્યુ લદાઈ શકે છે એવો દાવો ટોચના ગુજરાતી અખબારના અહેવાલમાં સરકારી સૂત્રોના હવાલથી કરાયો છે. આ ચારેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ તો છે જ પણ એ સિવાય દિવસે પણ કરફ્યું લદાઇ શકે છે એવો દાવો આ અહેવાલમાં કરાયો છે. આ અહેવાલમાં સરકારી સૂત્રોના હવાલાથી દાવો કરાયો છે કે, સોમવારે સાંજે ચારેય મહાનગરોમાં દિવસ દરમિયાન કર્ફ્યૂ લાદવાની પણ જાહેરાત થશે.


આ અહેવાલ પ્રમાણે સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, કોરોનાનું સંક્રમણ કોઈ પણ રીતે વધે તો લોકડાઉન કે સજ્જડ કર્ફ્યૂ એકમાત્ર વિકલ્પ રહે છે. અમદાવાદમાં જે હદે હોસ્પિટલો ઊભરાઇ રહી છે, તે જોતાં કર્ફ્યૂ લાદવો પડે તેવી સ્થિતિ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે સાંજે રાજ્યનાં લોકોને કરેલા સંબોધનમાં રાજ્યમાં કરફ્યુ લાદવાની કે લોકડાઉ લાદવાની કોઈ યોજના નહીં હોવાનું કહ્યું હતું. બીજી તરફ મીડિયાના આ પ્રકારના અહેવાલો ફરતા થતાં લોકો ગૂંચવાઈ શકે છે.

આ અહેવાલમાં દાવો કરાયો છે કે, કેન્દ્ર સરકારે અનલોક માટે બહાર પાડેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવ્યું છે કે કોઇપણ રાજ્ય પોતાની રીતે લોકડાઉન લાગુ કરી શકે નહીં. જો કે કર્ફ્યૂના નામે લાગુ થઇ શકે તેવાં લોકડાઉન માટે છૂટ છે તેથી ગુજરાત સરકાર કેન્દ્ર સાથે આ અંગે ચર્ચા કરી શકે છે એવો દાવો પણ કરાયો છે.

આ અહેવાલ પ્રમાણે ચારેય મહાનગરોમાં દિવસે કરફ્યું લદાય તેમાં સવારે 6થી 10 અને સાંજે 4થી 8 વાગ્યા સુધી છૂટછાટ મળી શકે છે. દૂધ, કરિયાણું, દવાઓ અને શાકભાજી સિવાયના તમામ ધંધા-વ્યાપાર બંધ રહી શકે અને મહિલાઓને સવારના અમુક કલાકો માટે કર્ફ્યૂમાંથી મુક્તિ મળી શકે છે. જો કે ઔદ્યોગિક એકમોને ગાઇડલાઇનના પાલન સાથે છૂટછાટ મળી શકે છે. જરૂરિયાતની વસ્તુ સિવાયના તમામ વેપારી એકમો અને દુકાનોને બંધ રાખવા ફરજ પડાઇ શકે છે.