Biparjoy Cyclone: બનાસકાંઠામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અહીં કાંકરેજ તાલુકામાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી છે. કાંકરેજ તાલુકાના થરાની મોડલ સ્કૂલનો શેડ ભારે પવનના કારણે ઉડી ગયો છે. થરા મોડલ સ્કૂલનો શેડ ઉડીને રસ્તા પર પડ્યો હતો. જો કે, સદનશીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
બિપરજોય વાવાઝોડાને લઈને તંત્ર સતત બન્યું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારોમાં વાવાઝોડાના સંભવિત અસરને લઈને જિલ્લા કલેકટર દ્વારા કચ્છને અડીને આવેલા ગામડાઓની મુલાકાત કરી મીઠું પકવતા અગરિયાઓને સેન્ટર હોમ ખાતે ખસેડવા કામગીરી હાથ ધરી છે. બિપોરજોય વાવાઝોડાને લઈને જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા તેમજ વહીવટી તંત્રની ટીમો દ્વારા કચ્છ જિલ્લાને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના મસાલી અને માધપુર ગામમાં રણમાં મીઠું પકવતા અગરિયાઓ સાથે મિટિંગ કરી હતી. વાવાઝોડાના પગલે મીઠું પકવતા સુઇગામ તાલુકાના મસાલી, મધપુરા અને બોરું ગામના 1500 જેટલા અગરિયાઓ નજીકના સેન્ટર હોમમાં ખસેડવાની તજવીઝ હાથ ધરાઈ છે.
આગામી 2 દિવસ આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
વાવાઝોડું 6 કિમીની ઝડપે કચ્છ તરફ આગળ વધી રહ્યું છે. આજે 4થી 8ની વચ્ચે લેન્ડફોલ થવાની શકયતા જોવાઇ રહી છે. વાવાઝોડાની અસર ગુજરાતભરમાં જોવા મળી રહી છે. સોરાષ્ટ્ર, કચ્છમાં અનેક વિસ્તારમાં પવન સાથે ઝાપટા શરૂ થઇ ગયા છે.
વાવાઝોડાના પગલે ગુજરાતમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહે તેવો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. વાવાઝોડું હાલ કચ્છથી 280 કિલોમીટર દૂર છે અને 6 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે. જેની અસર આજથી રાજ્યભરમાં જોવા મળી રહી છે. દ્રારકા, જામનગર, પોરબંદરમાં વરસાદ શરૂ થઇ ગયો છે. જાણીએ આગામી 2 દિવસ ક્યાં થશે વરસાદ
આજે ક્યાં વિસ્તારમાં વરસાદ
આજે સવારથી વાવાઝોડાની અસરથી પવન સાથએ રાજકોટ, જામનગર, પોરબંદર,જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ,કચ્છ, દીવ, અમદાવાદ, મોરબી,આણંદ, ભરુચ, સુરત, નવસારી,વલસાડ, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ સાયક્લોનના લેન્ડફોલ બાદ કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ,અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગર, બોટાદ, દિવમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થઇ શકે છે.
17 જૂને ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ લેન્ડફોલ બાદ પણ 2 દિવસ ગુજરાતમાં તેની અસર જોવા મળશે. 17 જૂને જામનગર, મોરબી, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ,આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર,વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ,સુરત, ડાંગ, તાપી, નવસારી વલસાડ, રાજકોટ, જુનાગઢ, અમરેલી,ગીર સોમનાથ, બોટાદમાં વરસાદનો અનુમાન છે.
ગુજરાતમાં સ્થળાંતરની કામગીરી અંતિમ તબક્કામાં
વાવાઝોડાને પગલે ગુજરાતમાં અત્યાર સુધીમાં 8 જિલ્લાના 74 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.જૂનાગઢ જિલ્લામાંથી 4 હજાર 604 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાંથી 10 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. તો પોરબંદર જિલ્લામાંથી 3 હજાર 469 લોકોનું સ્થળાંતર કરનામાં આવ્યું છે.દ્વારકા જિલ્લામાંથી 5 હજાર 35 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાંથી 1 હજાર 605 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાંથી 9 હજાર 243 લોકોનું અને રાજકોટ જિલ્લામાંથી 6 હજાર 89 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. NDRFની 18 અને SDRFની 12 ટીમો તૈનાત કરવામાં આવી છે.