બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મલાણા શિવ ધારા રિસોર્ટમાં એક કિશોરનું મોત થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, મલાણામાં શિવ ધારા રિસોર્ટમાં એક કિશોરનું મોત થયું હતું. રિસોર્ટમાં આવેલી રાઇડ્સમાં સામેની દીવાલ સાથે અથડાવાથી કિશોરનું મોત થયું હતું. રાઇડ્સમાં પાણીનું સ્તર ઓછું અને રાઇડ્સ નાની હોવાથી આ બનાવ બન્યો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે


મૃતક કિશોર સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામનો રહેવાસી હતો. ઘટના બાદ કિશોરને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થયું હતું. મૃતકના પિતાએ પાલનપુર તાલુકા પોલીસ મથકે અરજી કરી તપાસની માંગણી કરી હતી.


પાલનપુરમાં 4 બાળકો ગુમ


પાલનપુર તાલુકાના જગાણા ગામેથી ચાર બાળકો ગુમ થયા છે. બપોરે 3:00 વાગે કપડાં લઈને નીકળેલા બાળકો હજુ સુધી પરત ફર્યા નથી. બાળકો પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. પાલનપુર તાલુકા પોલીસે ગુમ બાળકોની શોધખોળ શરુ કરી છે. પાંચ કલાક બાદ પણ આ બાળકો પરત ન ફરતા પરિવારમાં ચિંતા પ્રસરી છે. ઠાકોર સમાજના ચાર બાળકો ઘૂમ થતા પોલીસે તપાસ હાથ ધરી છે


પાલનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી


બનાસકાંઠાના પાલનપુરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના પાલનપુરમાં ખાનગી માલિકીની જમીન પર નગરપાલિકાએ રોડ બનાવી દીધો હતો. હવે જમીન માલિકે રોડની બંન્ને તરફ ફેન્સિંગ કરી રોડ પર કબજો જમાવ્યો હતો. 


વાસ્તવમાં નગરપાલિકાએ ગયા વર્ષે કોઇ પણ પ્રકારની ખાતરી કર્યા વિના આઠ લાખ રૂપિયાના ખર્ચે  પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડથી માનસરોવરને જોડતો આરસીસી રોડ ખાનગી જમીન પર બનાવી દીધો હતો. બે દિવસ પહેલા સમગ્ર મામલે ખુલાસો થતા જમીનના માલિકે રોડની બંને સાઈડ ફેન્સિંગ કરી રોડ ઉપર કબજો કર્યો હતો. જમીન માલિકે આ જગ્યા ખાનગી માલિકીની હોઇ કોઈએ પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ પણ લગાવી દીધું હતું. રસ્તો બંધ થતા હવે વાહન ચાલકોએ દોઢ કિલોમીટર ફરીને માનસરોવર રોડ જવું પડે છે. 


બનાસકાંઠાના પાલનપુરમાં  દલિત યુવકને માર મરાયો


બનાસકાંઠાના પાલનપુરમાં મોટા ગામે દલિત યુવકને માર મારવાની ઘટના બની હતી. આ મામલે સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, પાલનપુરના મોટા ગામે દલિત યુવકને કેટલાક યુવકોએ માર માર્યો હતો. ‘તું સારા કપડા પહેરીને કેમ ગામમાં ફરે છે’ તેમ કહીને દલિત યુવક પર કેટલાક શખ્સો તૂટી પડ્યા હતા. સાથે જ યુવકની માતા છોડાવવા પડતા તેને પણ માર મારવાનો આરોપ છે.