વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાના લેન્ડફોલમાં વિલંબ થઈ શકે છે. બિપરજોય વાવાઝોડાનું લેન્ડફોલ મોડી સાંજે અથવા રાત્રે થાય તેવી શક્યતા છે. વાવાઝોડાનું લેન્ડફોલ સાંજે ચાર વાગ્યે નહી પરંતુ આજે રાત્રે 9થી 10 વાગ્યાની વચ્ચે થઈ શકે છે. લેન્ડફોલ સમયે 115થી 130 કિ.મીની ઝડપે પવન ફુંકાઈ શકે છે.


કોડિનારમાં મકાન ધરાશાયી


ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ગીર સોમનાથના કોડિનારના મૂળ દ્વારકા બંદર પર દરિયા કિનારે મકાન ધરાશયી થયું હતું. દરિયાના મોજાની થપાટ લાગતા મકાન ધરાશાયી થયું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી. મકાન ભગુબેન ફુલબારીયા નામની મહિલાનું હતું. છેલ્લા 5 દિવસમા કુલ 10 જેટલા મકાન ક્ષતિગ્રસ્ત થયા હતા.


15મી જૂનની સાંજ સુધીમાં તે ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને સૌરાષ્ટ્ર અને કચ્છ અને માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન) વચ્ચેના જખૌ બંદર (ગુજરાત) નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી શક્યતા છે, કારણ કે તે 115ની મહત્તમ પવનની ઝડપ સાથે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન છે. 125 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.


છેલ્લા 24 કલાકમાં વરસાદ


વાવાઝોડા પહેલા ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. સરકારે બહાર પાડેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 115 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો, કેશોદમાં પોણા 2 ઈંચ, ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ, ભુજમાં અને અમરેલીના લીલીયામાં દોઢ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ, ખાંભા, કલ્યાણપુર, જામકંડારણામાં એક ઈંચ વરસાદ, માંગરોળ, વંથલી, કાલાવડ અને બગસરામાં પોણા ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમરેલી, ભાવનગર, જુનાગઢના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. બિપરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.


આ પહેલા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. દરમિયાન, બુધવારે (14 જૂન) ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થયો છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે