ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશામાં પરિવર્તન થયો છે. વાવાઝોડુ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડુ જખૌથી ફક્ત 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ 15 જૂનના રોજ ગુજરાત પર ત્રાટકે તેવી શક્યતા છે. સાયક્લોન બિપરજોય પહેલા ગુજરાત-મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડા અગાઉ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાંચ લોકોના મોત થયા છે. વાવાઝોડા અગાઉ સુરક્ષા અને સલામતીના ભાગરુપે 8 જિલ્લામાંથી અત્યાર સુધીમાં 37 હજાર 794 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


વાવાઝોડાને પગલે ગાંધીધામ કંડલા પોર્ટ ઉપર સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. કંડલા પોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યુ છે. મીડિયા સહિત તમામ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કંડલા બંદરના તમામ રસ્તા સુમસામ જોવા મળી રહ્યાં છે.


તે સિવાય કચ્છના માંડવીમાં ભારે પવનના કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. માંડવી પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ યથાવત છે. માંડવી પોર્ટ પર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. મુન્દ્રા અને કંડલા પોર્ટનો વિસ્તાર સુમસાન જોવા મળી રહ્યો છે. ભારે પવનના કારણે દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. કંડલા અને મુન્દ્રા પોર્ટના દરવાજા સાંજે છ વાગ્યાથી જ બંધ કરાયા હતા. કંડલા અને મુન્દ્રા પોર્ટ પર આયાત-નિકાસની કામગીરી સંપૂર્ણ બંધ કરવામાં આવી હતી. વાવાઝોડા બાદ પોર્ટ શરૂ કરવામાં વિલંબ થવાની શક્યતા છે.


અરબી સમુદ્રમાંથી આવતું આ વાવાઝોડું થોડા દિવસોમાં ગુજરાતમાં લેન્ડફોલ કરશે. આ વાવાઝોડું ખૂબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેની ચેતવણી હવામાન વિભાગ દ્વારા સતત આપવામાં આવી રહી છે. વાવાઝોડાને પગલે ગુજરાતના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.


છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડ્યો છે. જ્યારે 24 કલાકમાં રાજ્યના 29 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ખંભાળીયા તાલુકામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, દ્વારકા તાલુકામાં ચાર, તો કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.


14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે.