ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાએ ફરી એકવાર દિશામાં પરિવર્તન થયો છે. વાવાઝોડુ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડુ જખૌથી ફક્ત 290 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ 15 જૂનના રોજ ગુજરાત પર ત્રાટકે તેવી શક્યતા છે. સાયક્લોન બિપરજોય પહેલા ગુજરાત-મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. વાવાઝોડા અગાઉ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પાંચ લોકોના મોત થયા છે. વાવાઝોડા અગાઉ સુરક્ષા અને સલામતીના ભાગરુપે 8 જિલ્લામાંથી અત્યાર સુધીમાં 37 હજાર 794 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


વાવાઝોડાની સૌથી વધારે અસર કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ સહિત આઠ જિલ્લા પર થશે. તો સંભવિત સ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્યમાં સેવા યજ્ઞ પણ શરૂ થયા છે. રાજ્ય સરકારની સાથે સામાજિક સંસ્થાઓ પણ મેદાને આવી છે. રાજ્યમાં અનેક ઠેકાણે જરુરીયાત મંદો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.


આઠ જિલ્લામાં આવેલા 521 પીએચસી, સીએચસી હોસ્પિટલને આરોગ્ય રક્ષક દવા, સાધનો અને જનરેટરથી સજ્જ કરાયા છે. તો પૂર સંભવિત વિસ્તારમાં 239 એમ્બ્યુલંસ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. કચ્છમાં સંભવિત વિકટ સ્થિતીમાં આરોગ્ય સુવિધા જાળવી રાખવા 4 CDHO, 15 મેડીકલ ઓફિસર અને સંયુકત પશુપાલન નિયામકને ફરજ પર તૈનાત કરાયા છે. તો માર્ગ અને મકાન વિભાગની 115 ટીમ બનાવીને પ્રભાવિત જિલ્લામાં કાર્યરત કરવામાં આવી છે


એન.ડી.આર.એફ.ની ૧૫ તથા એસ.ડી.આર.એફ.ની ૧૨ ટીમો તૈનાત કરવામાં આવી છે. કચ્છમાં ૪૦ હજારથી વધુ ફૂડ પેકેટ-બે હજાર કિલોગ્રામ મિલ્ક પાવડર-૪પ હજાર ટ્રેટાપેક મિલ્ક જરૂરિયાતમંદ લોકોને પહોંચાડવા તૈયાર કરવામાં આવ્યા છે.


મુખ્ય સચિવ રાજકુમારે જિલ્લા વહીવટીતંત્ર સાથે યોજેલી બેઠકની માહિતી મુખ્યમંત્રીને આપતા જણાવ્યું કે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જૂનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ ૮ જિલ્લાઓમાં ૩૭,૭૯૪ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાંથી ૬૨૨૯ અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


હવામાન વિભાગના મતે આગામી ૧૪ અને ૧પ જૂનના દિવસોમાં આ આઠ જિલ્લાઓમાં ભારે વરસાદની શકયતાઓ દર્શાવાઇ છે. કચ્છ જિલ્લામાં આ વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. ઊર્જા વિભાગે ૮ સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં ૫૯૭ સહિત કુલ ૮૮૯ ટીમ સ્ટેન્ડ બાય રાખી છે અને આ આઠ જિલ્લાઓના ૬૯પ૦ ફિડરો પરથી મળતા વીજ પૂરવઠાને અસર ન પહોંચે તેની પણ તકેદારી રાખી છે. ભારે વરસાદ કે વાવાઝોડાથી કાચા મકાનો, ઝૂંપડાઓ કે નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાય છે ત્યાં લોકોની સલામતી અને બચાવ રાહત માટે NDRFની ૧પ તથા SDRFની ૧૨ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.