ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાનો ખતરો સમયની સાથે વધી રહ્યો છે. બિપરજોય વાવાઝોડુ તીવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના મતે બિપરજોય વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ દ્વારકાથી 280 તો પોરબંદરથી 300 કિલોમીટર દૂર છે.


વાવાઝોડાની ગતિમાં છેલ્લા છ કલાકમાં બે વાર ફેરફાર થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સૌથી વધુ ગતિથી આગળ વધી રહ્યું છે. ચાર દિવસ અગાઉ વાવાઝોડાની મહત્તમ ગતિ 13 કિ.મીની હતી. 13 કિ.મીની ગતિ ઘટીને પાંચ કિ.મી સુધી પહોંચી હતી જે વધીને 12 કિલોમીટર પ્રતિ કલાકની થઇ છે.


20588 લોકોનું સ્થળાંતર કરાયું


વાવાઝોડાનો રાજ્યના 8 જિલ્લાના 441 ગામના અંદાજે 16 લાખ 76 હજાર લોકોએ સામનો કરવો પડશે. સરકારી આંકડા પ્રમાણે 8 જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 20588 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયુ છે. જેમાં દેવભુમિ દ્વારકા જિલ્લામાં 4820 લોકોનું સ્થળાંતર કરી સાયક્લોન સેન્ટર ખાતે આશરો અપાયો છે. આ જ રીતે મોરબીના માળિયાના કાંઠાળ વિસ્તારમાંથી સાંજ સુધીમાં 2000 લોકોનું સ્થળાંતર કરાયું છે. સલાયાના નીચાણવાળા વિસ્તારમાંથી 157નું સ્થળાંતર કરી લોહાણા વાડી, કોમ્યુનિટિ હોલમાં આશરો અપાયો છે. પોરબંદરમાં 543, જૂનાગઢમાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500 ગીર સોમનાથમાં 408 અને રાજકોટમાં 4031 એમ કુલ અંદાજે 20588 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે


હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે વાવાઝોડું 15 જૂને કચ્છમાં લેન્ડફોલ કરશે. કચ્છના નલિયા, જખૌ, ગાંધીધામ, માંડવી, મુંદ્રા, લખપતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 14 જૂનથી ઝડપી પવન સાથે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગ પ્રમાણે 15 જૂન અને ગુરુવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 150 કિમીની વિનાશકારી વાવાઝોડું ગતિ સાથે કચ્છના જખૌ બંદરે ત્રાટકશે. જે બાદ તારીખ 24 કલાક સુધી કચ્છને ઘમરોળશે અને રાજસ્થાન તરફ આગળ વધશે.


ગંભીર વાત એ છે કે વાવાઝોડુ કચ્છમાં લેન્ડફોલ કરશે ત્યારે તે વેરી સિવિયર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે પ્રચંડ શક્તિશાળી ચક્રાવાત રહેશે જેના પગલે સમગ્ર કચ્છ, દ્વારકા, જામનગર જિલ્લામાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્ર-કચ્છના બંદરો પર સર્વાધિક ખતરો હોવાની પૂરી સંભાવના છે. જેથી ગ્રેટ ડેન્જર દર્શાવતા 10 નંબરના સિગ્નલ લગાયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના કાંઠે પણ ખતરો હોવાથી લોકલ કોશનરી-3 નંબરના સિગ્નલ લગાવાયા છે. વાવઝોડાનો છેડો સૌરાષ્ટ્રને સ્પર્શી ગયો છે અને તેની તીવ્ર અસર જોવા મળી છે