ગાંધીનગરઃ બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. લેટેસ્ટ બુલેટિનમાં હવામાન વિભાગે વાવાઝોડાને લઇને રેડ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, સૌરાષ્ટ્રના દરિયાકિનારે વાવાઝોડાને રેડ એલર્ટ જાહેર કરાયું છે. વાવાઝોડું હાલમાં જખૌ પોર્ટથી 280 કિમી, દ્વારકાથી 290 કિમી, નલિયાથી 300 કિમી, પોરબંદરથી 350 કિમી દૂર છે.
વાવાઝોડાને પગલે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. વાવાઝોડું ટકરાશે ત્યારે 150 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. વાવાઝોડું પસાર થયા બાદ 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તે સિવાય હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તે સિવાય આજે રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન એજન્સી સ્કાયમેટના જણાવ્યા અનુસાર, વાવાઝોડું અત્યારે 250 કિલોમીટર દૂર છે. દરિયામાં અત્યારે પવનની ગતિ 170 કિમીની છે. લેન્ડફોલના ચાર કલાક બાદ પવનની ગતિમાં ઘટાડો થશે. કચ્છના માંડવી પાસે વાવાઝોડું લેન્ડફોલ કરશે. વાવાઝોડું જ્યા લેન્ડફોલ કરશે ત્યાં વધારે નુકસાન થશે.
રાજ્યમાં 37 હજારથી વધુ લોકોનું કરાયુ સ્થળાંતર
સાયક્લોન બિપરજોય અગાઉ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. NDRF, SDRF, કોસ્ટગાર્ડ ઉપરાંત રાહત અને બચાવ માટે સેના તૈનાત કરવામાં આવી છે. તોફાન આવતીકાલે સાંજે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે જખૌ બંદર પર ત્રાટકશે. અત્યાર સુધીમાં આઠ જિલ્લાના 37 હજાર 794 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 869 મીઠા અગરના 6229 અગરિયાઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
તમામ એયરબેઝ પર હેલિકોપ્ટર્સ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી માટે આર્મી હાઈએલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં NDRFની 15 અને SDRFની 12 ટીમો તૈનાત કરાઇ છે. તે સિવાય માર્ગ મકાન વિભાગની 115 ટીમો સજ્જ કરાઇ છે. કચ્છમાં 40 હજારથી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. કચ્છમાં ચાર CDHO, 15 મડિકલ ઓફિસર ફરજ પર રહેવાના આદેશ અપાયા હતા. 108ની 157 મળી કુલ 239 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
કચ્છના જખૌ બંદર પરથી તમામને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. જખૌમાં 522 બોટને સુરક્ષિત સ્થળે કાંઠા પર રખાઈ છે. બોટ રિપેરિંગનું કામ કરનાર 100 કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. કંડલામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં માંડવીનો દરિયો તોફાની બન્યો છે. માંડવી દરિયાકિનારે ભારે પવન ફુંકાવાનો શરૂ થયો છે.