Cyclone Biparjoy: Cyclone Biparjoy હવે તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ શરૂ કરી લીધું છે. બિપરજોય 15 જૂન સુધીમાં રાજ્યના દરિયાકિનારે ત્રાટકે તેવી સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડુ કચ્છ જિલ્લામાં સૌથી વધુ અસર કરે તેવી સંભાવના છે. વાવાઝોડુ બિપરજોય માંડવી દરિયા કિનારે ત્રાટકે તેવી આગાહી કરાઇ છે.
વાવાઝોડાને લઈને કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવવામાં આવી છે. એક SDRF અને એક NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઇ હતી તો એક NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરવામાં આવી હતી. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભૂજ પહોંચશે. તે સિવાય ભૂજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય રહેવાનો આદેશ અપાયો હતો. તે સિવાય SDRF અને NDRFની ટીમોએ દરિયાઈ વિસ્તારની મુલાકાત લીધી હતી.
વાવાઝોડાને લઈને કચ્છ પ્રશાસન એક્શન મોડમાં આવી ગયું છે. કચ્છના કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું હતું કે વાવાઝોડાને લઈને કચ્છના તમામ મામલતદાર અને ગામના સરપંચો સાથે સંપર્કમાં છીએ. દરિયાઈ વિસ્તારના લોકોને સ્થળાંતર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કચ્છના તમામ બંદરો ઉપર કલમ ૧૪૪ લાગુ કરી દેવાઇ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે મીઠાની પ્રાઇવેટ કંપનીના તમામ કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે. માંડવી, જખૌ સહિત બંદરો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ કચ્છના તમામ બંદરો ઉપર ૯ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. PGVCL, પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ બાય રહેવાની સૂચવા અપાઇ છે. વાવાઝોડાથી લોકોને જાનહાનિ ના થાય તે માટે પણ તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે . સમગ્ર કચ્છ જિલ્લામાં મેડિકલ માટે ગામોમાં સુવિધા ઉભી કરવામાં આવી છે.
અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા
વાવાઝોડાના રૌદ્ર રુપને જોતા ગુજરાતના અનેક બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. જેમાં કંડલા, પોરબંદર, ઓખા બંદર અને મોરબીના નવલખી બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંદ્રા, માંડવી બંદર પર પણ નવ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.