રાજ્યમાં ચોમાસા પહેલા વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. 21મેના મહારાષ્ટ્ર નજીક અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થશે. જે 22મેના લો- પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે. આ સિસ્ટમને સક્રિય બનાવવામાં તમામ પરિબળો અનુકૂળ હોવાથી ચક્રવાત બનવાની પૂરી શક્યતા રહેલી છે.

આ વાવાઝોડું મુંબઈ- ગોવા વચ્ચે અરબી સમુદ્રમાં ઉદભવશે. 24થી 28 મે વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ સર્જાશે. આ અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. તો સિસ્ટમની અસરના ભાગરૂપે મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે.

હવામાન નિષ્ણાંતોનું માનીએ તો અરબી સમુદ્રમાં રચાવા જઈ રહેલું સર્ક્યુલેશન ચોમાસાને વહેલા આગમન માટે મદદરૂપ થશે. અરબી સમુદ્રનું હાલનું તાપમાન 29થી 30 ડિગ્રી છે. 26 ડિગ્રીથી ઉપરનું તાપમાન ટ્રોપિકલ સાયક્લોન ડેવલોપમેન્ટ માટે યોગ્ય ગણાય છે. આ ઉપરાંત વાતાવરણની અસ્થિરતા, નીચેથી ઉપર જતા પવનની દિશા અને ગતિમાં ઓછો તફાવત તેમજ વાતાવરણના નીચલા લેવલ પર ચોમાસાના ભેજવાળા પવનો આ તમામ પરિબળોના કારણે ચોમાસાના વહેલા આગમન માટે મદદરૂપ થશે.                                             

કર્ણાટકમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બેંગલુરુમાં કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. હિમાચલ પ્રદેશ, કાશ્મીર, બિહાર, ઝારખંડમાં તોફાન સાથે વરસેલા વરસાદના કારણે કુલ 16 લોકોના મોત થાયા છે. બેંગલુરુમાં એક રાતમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં ગાડીઓ ડૂબી ગઈ હતી અને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા હતા. બેંગલુરુના મહાદેવપુરા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થતાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. હવામાન વિભાગે આજે પણ બેંગલુરુમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. આ વીકએન્ડ સુધી વરસાદી માહોલ ચાલુ રહી શકે છે.