આજે એટલે કે (શનિવારે) અમદાવાદ સહિત રાજ્યમાં ઠેર ઠેર હળવાંથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની વકી છે. દીવમાં મોડીરાતથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. માહિતી પ્રમાણે છેલ્લા દીવમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.
અમરેલી જિલ્લાના રાજુલા સહિત જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી છે. એક બાજુ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, તો બીજી તરફ ઉના, સરોવડા, કડીયાળી, બલાણામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ નવાબંદર સહિત રાજપરાના દરિયાકાંઠે રહેતા માછીમારોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બીજી બાજુ વહેલી સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અચાનક હવામાનમાં પલટા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. કાળા ડિંબાગ વાદળો વચ્ચે ઠંડા પવનો સાથે શરૂ થયેલા વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો ચીકુ અને કેરી પાકને મોટા પ્રમાણમાં નુકશાનની આશંકા સેવાઈ રહી છે બીજી બાજુ ‘મહા’ વાવાઝોડાની અસર દરિયા કિનારા વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યુ છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદ સાથે કાળા ડિબાંગ વાદળો વાતાવરણ ખુશનુમા બન્યું છે, સુરત શહેર જાણે હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયું હોય તેવું લાગી રહ્યું છે. વરસાદ વચ્ચે ઠંડા પવનો ફૂંકાતા લોકોને વરસાદ સાથે ઠંડી ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે.
‘મહા’ વાવાઝોડના પગલે અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં અનેક પંથકોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયો તોફાની બન્યો છે. અરબી સમુદ્રમાં વાવઝોડું 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે.