અમરેલીના જાફરાબાદ તાલુકાના ટીંબી, હેમાળ, દુધાળા સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પરથી પાણી વહેવા લાગ્યા હતા.
સાવરકુંડલા, ખાંભા, રાજુલાના પીપાવાવ પોર્ટમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ખેડૂતોની હાલત પડ્યા પર પાટું જેવી થઈ છે. પહેલા વરસાદના કારણે તલ, મગફળીનો પાક નિષ્ફળ ગયા બાદ હવે કપાસના પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા ધરતીપુત્રો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે.
બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના મહેસૂલ સચિવ પંકજ કુમારે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓ સમક્ષ તમામ બાબતોનું વિગતવાર પ્રેઝન્ટેશન કર્યું હતું અને તેમને આ અંગે માહિતગાર કર્યા હતા. પંકજ કુમારે અહીં આ બેઠકમાં જ જણાવ્યું કે હજુ પણ જિલ્લા તંત્રો ખડેપગે જ છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ સ્થિતિ ગંભીર નથી. મહા ચક્રવાત હવે સૌરાષ્ટ્રના દરિયાકિનારે ટકરાવાનું નથી પણ તે દીવ પાસેથી જ પસાર થઇને દૂર ફંટાઇ જશે.