અમદાવાદઃ ગુજરાતમાં કોરોના (Gujarat Corona Cases) મહામારીની બીજી લહેરના (Coronavirus Second Wave) પ્રકોપ વચ્ચે બીજી એક કુદરતી આફત દસ્તક દઈ રહી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઈ રહ્યું હોવાની આગાહી કરી છે. શુક્રવારે વેલ માર્ક લો પ્રેશરમાં બનશે. જે ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બન્યા બાદ વાવાઝોડામાં (Cyclone Tauktae) પરિવર્તિત થશે. 18 મેના રોજ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે.


કેટલી ઝડપે ફૂંકાશે પવન


18 મેના રોજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. 18 મેના સાંજે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે અને પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.


તંત્ર સતર્કઃ પ્રદિપસિંહ જાડેજા 


ગુજરાતમાં સંભવિત વાવાઝોડાને લઈને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનુ નિવેદન આપ્યું છે. પ્રદિપસિંહે કહ્યું, સંભવિત વાવાઝોડાને લઈ સતર્ક રહેવા તંત્રને સૂચના અપાઈ ચૂકી છે. વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવનાને પગલે તંત્રને અલર્ટ કરાયું છે. સંભવિત વાવાઝોડાને લઈને રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરાઈ છે. સંભવિત વાવાઝોડાને લઈ જિલ્લા કલેક્ટરોને પણ અલર્ટ કરી દેવાયા છે. રાજ્યના મુખ્ય સચિવે દ્વારા પણ પ્રી-મોન્સૂન પ્લાન અંગે મિટિંગ યોજાઈ હતી.


'તૌકતે' નામનું વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. આ વર્ષનું પહેલું વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારે ટકરાઈ શકે છે. આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવાના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકી શકે છે. તટ રક્ષક દળના જવાનોએ દરિયામાં માછીમારી કરતા લોકોને સુરક્ષિત દરિયા કિનારે પહોંચી જવાનું જણાવ્યું છે. ખાસ કરીને કચ્છમાં કંડલા અને મુન્દ્રા ખાતેના બે મોટા બંદર આવેલા છે. તેની સાથે માછીમારી માટે નલિયાના જખૌ બંદરનો મોટા પાયે ઉપયોગ થાય છે. ત્યારે સાવધાની રાખવી અનિવાર્ય બની જાય છે.


'તૌકતે'નો શું થાય છે અર્થ


નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગે દેશમના પશ્ચિમી વિસ્તારમાં રવિવારે ચક્રવાત તોફાનની શક્યતા દર્શાવી છે. સાથે જ મંગળવારે પૂર્વ મધ્ય અરબ સાગર પર સાઈક્લોનની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. કહેવાય છે કે, એક વખક ચક્રવાત બની ગયા બાદ તેનું નામ ‘તૌકતે’ રાખવામાં આવશે જેનો મતલબ વધારે અવાજ કરનારી ગરોળી છે. આ નામ મ્યાનમારે આપ્યું છે.