અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસો બાદ મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) કેસો સતત વધારો થતા ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદ સિવિલમાં બે દિવસ પહેલા સુધી મ્યુકરમાઈકોસિસના 105 દર્દીઓ દાખલ હતા. ત્યારબાદ વધુ 86 કેસ નોંધાયા છે. જેના કારણે સિવિલમાં વધુ બે વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદની સાથે વડોદરા, રાજકોટ, ગાંધીનગર સહિતના શહેરોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસો જોવા મળી રહ્યા છે. કોરોનાની સાથે મ્યુકરમાયકોસિસથી બચવા કોરોના રસી (Corona Vaccine) અકસીર હોવાનો તબીબો દ્વારા દાવો થઈ રહ્યો છે.
કોરોનાની રસી અને મ્યુકરમાઈકોસિસને શું છે સંબંધ
કોવિડ વેક્સિન માત્ર કોરોના સામે જ નહીં પણ ખર્ચાળ મ્યુકરમાઈકોસિસ સામે પણ રક્ષણ આપે છે. સુરતમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે પરંતુ જેમણે કોરોના રસીનો પ્રથમ કે બંને ડોઝ લીધા છે તેઓ બચી શક્યા છે. જે દર્દીએ રસીનો ડોઝ નથી લીધો અને કોરોનામાં સપડાયા બાદ આ રોગનો ભોગ બન્યા છે તેમાં જ રોગનું સંક્રમણ જોવા મળ્યું છે. મ્યુકરમાઇકોસિસનો ભોગ બનેલા એકપણ દર્દીએ વેક્સિન નથી લીધું તેવું ચિત્ર સામે આવ્યું છે. આ સંજોગોમાં કોરોનાની રસી જ મ્યુકરમાઇકોસિસ સામે લડવા કારગત હોવાનું કહી શકાય તેવું તબીબોનું માનવું છે.
કેવું માસ્ક બચાવશે મ્યુકરમાઈકોસિસથી
મ્યુકરમાઈકોસિસથી બચવા માટે સર્જિકલ માસ્ક (Surgical Mask) વધુ અસરકારક હોવાનો નિષ્ણાત તબીબોનો મત છે. યૂઝ એન્ડ થ્રો માસ્ક પહેરવાથી આ રોગથી બચી શકાય છે. માસ્કની સ્વચ્છતા પણ રોગમાં ખૂબ જરૂરી છે. કોરોનાથી મુક્ત થયેલા લોકો કોટન માસ્ક (Cotton Mask) પહેરતાં હોય તેને દરરોજ ધોતાં ન હોવ કે બરાબર સેનિટાઇઝ ન કરવામાં આવતું હોય તો આવા માસ્ક પહેરવાથી મ્યુકરમાઇકોસિસનું જોખમ વધી જાય છે. આવા માસ્ક દ્વારા અશુદ્ધિઓ શ્વાસ મારફતે શરીરની અંદર પ્રવેશ કરે છેઅને બીમારીની શક્યતા વધી જાય છે. તેથી ઉનાળામાં અથવા હવામાં ભેજનું પ્રમાણ વધારે હોય તેવા સંજોગોમાં કોટન માસ્ક આ રોગ માટે જોખમી પુરવાર થઈ શકે છે.
મ્યુકરમાઇકોસિસની બીમારીની જો પહેલા સ્ટેજમાં ખબર પડી જાય અને ઇલાજ શરૂ થઇ જાય તો તેની સાજા થવાની શક્યતા વધી જાય છે પરંતુ વિલંબ થાય તો કેટલાક કેસમાં પરિસ્થિતિ ગંભીર બની જાય છે, દર્દીની સર્જરી કરવી અનિવાર્ય બની જાય છે અને કેટલાક કેસમાં જડબા કાઢી નાખવાની સ્થિતિ પણ ઉભી થાય છે. કેટલાક કેસમાં તો દર્દીએ આંખની રોશની ગુમાવવાનો પણ વારો આવે છે. આ કારણે દર્દીએ મ્યુકરમાયકોસિસના દર્દીએ ખૂબ જ પ્રાથમિક અવસ્થામાં જ સચેત થઇ જવાની જરૂર છે. જેથી તેની ઘાતક અસરથી બચી શકાય અને મ્યુકરમાયકોસિસના ગંભીર પરિણામનું ભોગ ન બનવું પડે.તો મ્યુકરમાયકોસિસ ફંગસના ચાર સ્ટેજ ક્યાં છે અને પ્રથમ સ્ટેજના શું લક્ષણો છે જાણીએ.
મ્યુકરમાયકોસિસના કયાં 4 સ્ટેજ છે જાણો
- પહેલા સ્ટેજમાં ફંગસ નાકમાં થાય છે.
- બીજા સ્ટેજમાં તાળવામાં ફંગસ થાય છે
- ત્રીજા સ્ટેજમાં આંખ પ્રભાવિત થાય છે
- ચોથા સ્ટેજમાં બ્રેઇન સુધી ફંગસ પહોંચી જાય છે
મ્યુકરમાયકોસિસનાં લક્ષણો ક્યાં છે?
- મોંમાં છાલા પડી જવા
- આંખના નીચેના ભાગમાં સોજો આવી જવો
- ત્વચાનું સંવેદન ખતમ થઇ જવું
- આંખના નીચેના ભાગમાં દુખાવો થવો
- દાંત હલવા લાગવા