અમરેલીઃ ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે કેટલાય વૃક્ષો ધરાશાયી થયા છે તેમજ ઘરો અને વીજ પોલ પણ ધરાશાયી થયા હતા. વાવાઝોડાને કારણે ભારે પવન સાથે પડેલા વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. ત્યારે વાવાઝોડાની સૌથી વધુ અસર ધરાવતા અમરેલી જિલ્લાના ધારાસભ્યે વાવાઝોડાએ વેરાલા વિનાશને લઈને વ્યથા ઠાલવી છે. રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેરે વ્યથા ઠાલવી છે કે, અહીં કોણ કોને છાનું રાખે એવું થયું છે. વાવાઝોડામાં મારો આખો તાલુકો તબાહ થયો. સરકાર કોઈપણ ગામમાં જઈને સર્વે કરી શકે છે.
તેમણે ઉમેર્યું હતું કે, મારા વિસ્તારમાં 142 ગામ અને 3-3 તાલુકાઓ સંપૂર્ણ તબાહ થયા. હું રાજકારણ કરવા માંગતો નથી બસ સરકાર બસ સહાય આપે. સરકાર અમારા તાલુકાઓ માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે. સૌથી વધુ આંબા સહિત બાગાયતી પાકોને નુકશાન થયું.
રાજ્યમાં તૌકતે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પીએમ મોદી સૌ પ્રથમ ભાવનગર એરપોર્ટ પર આવ્યા છે જ્યાં મુખ્યમંત્રી રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું છે. અહીંથી તેઓ રાજ્યના વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈન નિરીક્ષણ કરશે. પીએમ મોદી અમરેલી, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં વાવાઝોડાને લઈને થયેલી નુકસાનીનું હવાઈન નિરીક્ષણ કરશે.
હવાઈ નિરીક્ષણ બાદ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અમદાવાદ પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આંકલન કરશે. પીએમ મોદીએ રાજ્યમાં વાવાઝોડાની સ્થિતિને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અને કેંદ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની પણ ખાતરી આપી હતી.
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ ચાર પ્રકારનું નુકસા થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.
દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.
69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 વીજ પુરવઠાની સપ્લાઈને ખાસ અસર થઈ છે. તો કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો છે. જ્યાં હવે જનરેટરની જરૂર નથી. 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે.