Cyclone Tauktae LIVE: પ્રધાનમંત્રી મોદી આજે આવશે ગુજરાત, તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું કરશે હવાઈ નિરિક્ષણ

Cyclone Tauktae LIVE Updates: વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 19 May 2021 07:25 AM
PM મોદી અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરશે

પ્રધાનમંત્રી  નરેન્દ્ર  મોદી  ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની  આવતીકાલે મુલાકાત લેશે.  બુધવારે 19 મે 2021ના  નવી દિલ્હીથી હવાઈ માર્ગે ભાવનગર આવશે.  ત્યાંથી તેઓ  અમરેલી,  ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના   અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ માટે જશે.  વડાપ્રધાન ત્યારબાદ અમદાવાદ આવશે અને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી તેમજ રાજ્ય ના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી  સ્થિતિનું આંકલન કરશે. 


 

13 લોકોના મૃત્યુ થયા

રાજ્યમાં આવેલા તૌક્તે વાવાઝોડાએ નુકસાન કર્યુ છે. જેમાં દરમિયાન 13 લોકોના મૃત્યુ થયા છે. અનેક જગ્યાએ વૃક્ષો વાવાઝોડાને કારણે ઝાડ ધરાશાયી થઈ ગયા છે. 

મુખ્યમંત્રીએ સહાય ચૂકવવાની કરી જાહેરાત

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન  આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે. 

ત્રણ કલાકમાં  નબળું પડે તેવી સંભાવના

ચક્રવાત તોફાન તૌકતે    ડીસા (ગુજરાત) ની દક્ષિણ-પૂર્વ દિશામાં લગભગ 120 કિ.મી. અને અમદાવાદથી 35 કિમી પશ્ચિમમાં અને સુરેન્દ્રનગરની પૂર્વ-ઉત્તર પૂર્વમાં 80 કિ.મી દૂર છે. વાવાઝોડુ આગામી ત્રણ કલાકમાં  નબળું પડે તેવી સંભાવના છે: ભારત હવામાન વિભાગ

સતત બે કલાક ચાલ્યો લેન્ડ ફોલ

સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટક્યા બાદ તૌક્તે વાવાઝાડાએ ભારે તબાહી મચાવી છે.  ગીર સોમનાથ, ભાવનગર સહિતના દરિયા કાંઠાના જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે.  હવામાન વિભાગ મુજબ સતત બે કલાક ચાલ્યો લેન્ડ ફોલ. 

ચક્રવાતી વાવાઝોડુ 6 કલાક દરમિયાન નબળું થશે

ચક્રવાતી વાવાઝોડું તૌકતે હાલ અમદાવાદના પશ્ચિમ-દક્ષિણથી લગભગ 50 કિમી અને સુરેન્દ્રનગરથી પૂર્વ-ઉત્તરમાં 60 કિલોમીટર દૂર છે. આગામી 6 કલાક દરમિયાન નબળું થશે તેમ  ભારત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  

ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો


અમરેલી જિલ્લાના રાજુલાનો ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા હિંડોરણા, ધાતરવડી નદી બે કાંઠે વહેતી થઈ છે. તૌક્તે વાવાઝોના કારણે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. 

સુરત શહેરમાં ભારે વરસાદ


સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ  પાણી ભરાયા છે.  છેલ્લા 1 કલાક થી  સુરત શહેરમાં ભારે વરસાદ પડ્યો છે.  લાલ દરવાજા પાસે પાણી ભરાયા છે.  પાણી ભરાવાના કારણે લોકોને ગાડી ચાલવામાં મુશ્કેલી પડી રહી છે.

વાવાઝોડાના કારણે એસટીને મોટું નુકસાન


વાવાઝોડાના કારણે એસટીને મોટું નુકસાન થયું છે.  વાવાઝોડાના પગલે 350 રૂટ અને 1000 જેટલી ટ્રીપ બંધ અને ડાયવર્ટ પણ  કરાય છે.   અંદાજે 70 લાખનું માલ મિલકતને નુકસાન થયું છે.  સૌથી વધારે નુકસાન અમરેલી જિલ્લામાં થયું છે. ગઈ એક જ રાત માં અંદાજે 50 લાખનું નુકસાન થયું છે.  અનેક સ્થળો પર સેઈફ પાર્કિંગ પણ કરવામાં આવ્યા છે. ધોલેરા, ધંધુકા વિરમગામ કચ્છ તરફ જતા તમામ રૂટ સ્થગિત કરવામાં આવ્યા.

ઉનાળું પાકને પણ નુકશાન  


આજે વાવાઝોડાને કારણે સમુદ્ર કિનારાની આસપાસના વિસ્તારના નુકશાનીના દ્રષ્યો સામે આવી રહ્યા છે.  તાલાલા વિસ્તારના આંબાના બગીચાના ખેડૂતોના ખેતરમાં રહેલા આંબાના વૃક્ષો ધરશાયી  થયા છે.  માળીયા હાટીના માંગરોળ વિસ્તારમાં પણ કેરીના પાક સાથે અન્ય ઉનાળું પાકને પણ નુકશાન  પહોંચ્યું છે.

ગોત્રી હોસ્પિટલના મેઈન ગેઈટના કાચના દરવાજા તૂટ્યા


ગોત્રી હોસ્પિટલના મેઈન ગેઈટના કાચના દરવાજા તૂટ્યા છે.  દરવાજા તૂટતાં હોસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી.  હોસ્પિટલ પરિસરમાં વરસાદી પાણી પણ ઘૂસ્યું છે. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં નર્સ પર કાંચ પડ્યો હતો.  નર્સ હોસ્પિટલના પ્રાંગણમાંથી પસાર થઈ રહી હતી. કાંચ પડતાં નર્સના હાથના ભાગે ઈજા થઈ છે.

સામાન્ય વરસાદમાં AMCની પોલ ખૂલી


તૌક્તે વાવાઝોડાની અસર અમદાવાદમાં જોવા મળી રહી છે.  અમદાવાદમાં સામાન્ય વરસાદમાં AMCની પોલ ખૂલી છે. બે ઈંચથી ઓછા વરસાદમાં શહેરમાં પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે.

મુખ્યમંત્રીએ નુકસાન થયું તેનો રિપોર્ટ માંગ્યો


તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓના કલેકટરો સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી  વીડિયો કૉન્ફરન્સથી વાત કરશે.  જિલ્લા કલેકટરો પાસે તૌક્તે વાવાઝોડાના કારણે તેમના જિલ્લામાં કેટલું નુકસાન થયું તેના રિપોર્ટ મુખ્યમંત્રીએ માંગ્યા છે. 

બે બોટમાં આઠ ખલાસી ફસાયા

સોમનાથ નજીક બે બોટમાં આઠ ખલાસી ફસાયા હતા.  3 કલાકના રેસ્કયુ ઓપરેશન બાદ તમામ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. 

અમદાવાદમાં વરસાદ શરૂ થયો

સૌરાષ્ટ્ર બાદ હવે અમદાવાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે. ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

અમરેલીની શેત્રુંજી નદીમાં ઘોડાપૂર

વાવાઝોડું પસાર થયા બાદ અમરેલી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના કારણે શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સમગ્ર જીલ્લામાં ભારે વરસાદથી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે નદી કાંઠે આવેલા ગામોમાં ભારે ખાનાખરાબી થઈ છે અને ખેતરોમા લહેરાતા ઉભા પાકનો સોથ વળી ગયો છે.

બારડોલીમાં કાર પર વક્ષ પડ્યું

સુરતમાં બારડોલીના સ્વામિનારાયણ મંદિર નજીક રસ્તા પરથી પસાર થતી કાર પર વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષની સાથે સાથે જીવંત વીજ તાર અને પોલ પણ પડ્યો હતો. આ સમયે કારમાં એમ.એન પાર્કનું ગોસ્વામી પરિવાર પસાર થઈ રહ્યું હતું. જોકે કોઈ જાનહાની થઈ નથી.

વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ અમદાવાદથી કેટલું દૂર ?

સીવીયર સાયકલોનીક સ્ટોર્મ બનીને આગળ વધી રહેલું વાવાઝોડું દક્ષિણ-પશ્ચિમ અમદાવાદ થી 205 કિમી દૂર છે. જ્યારે સુરેન્દ્રનગર થી 125 કિમી દૂર છે. વાવાઝોડાના લેન્ડફોલ બાદ ઝડપ ઘટી છે. છેલ્લા 2 કલાકથી 8 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

જુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશાયી

રાજુલા હિંડોરણા રોડ પર આવેલ 5 પેટ્રોલપંપ ધરાશયી થયા છે. રાજુલા વિસ્તારના પેટ્રોલપંપ ધરાશય થતા ડીઝલ પેટ્રોલ પણ બંધ થયું. મોટાભાગના નેશનલ હાઇવે પરના પેટ્રોલપંપમાં પણ નુકસાન થયું છે. 

ઉના હાઈવે બંધ થતાં લોકો પરેશાન

વાવાઝોડાના કારણે ઉના-સુત્રાપાડા હાઇવે બંધ થયો છે. હજુ રસ્તાઓ બંધ છે. દૂધ સહિતની જીવન જરૂરી વસ્તુઓને લઈ લોકો પરેશાન થયા છે. ઉના શહેરનો સંપર્ક કપાયો છે. ઉના વેરાવળ હાઈવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. જેના કારણે બે એમ્બ્યુલન્સ ફસાઈ છે.

125 કિમી ઝડપે ફૂંકાશે પવન

ભાવનગરના ઘોઘાનો દરિયો વાવાઝોડાના પગલે તોફાની બન્યો છે. દરિયામાં 10 થી15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડું પસાર થયા બાદ પણ અસર ઓછી નથી થઈ. વાવઝોડુ આગામી 1.30 કલાકમાં સીવીયર સાયકલોન બની જશે. 115 થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અમરેલી, ભાવનગર, બોટાદમાં હજી પણ 115 થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગીર સોમનાથ,જુનાગઢ, ખેડા,આણંદ, ભરૂચ અને દક્ષિણ અમદાવાદ માં 70 થી 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

ત્રણ કલાકમાં અમદાવાદને વાવાઝોડું સ્પર્શે તેવી શક્યતા

આગામી બે-ત્રણ કલાક  પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.  કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે એ લોકોને અપીલ કરી છે.

સુરત એરપોર્ટ બપોરે એક વાગ્યા સુધી બંઘ

સુરત એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈનીના જણાવ્યા મુજબ એરપોર્ટ બપોરે 1.00 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યું છે. સવારની તમામ ફલાઈટો થઈ બંધ રહેશે. સુરતથી મુંબઈ તેમજ દિલ્લીની ફલાઈટ રદ કરવામાં આવી છે.

રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ

વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરા માં 8 ઇંચ વરસાદ ખબાક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. 

વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશ્યો

ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશ્યો છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે. 

ઉમરગામમાં સૌથી વધુ બે કલાકમાં કુલ 6 ઈંચ વરસાદ

તૌક્તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે.  સવારના 6 થી રાતના 10 વાગ્યા સુધીમાં  રાજ્યના 78 તાલુકામાં વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં સૌથી વધુ બે કલાકમાં વરસ્યો કુલ 6 ઈંચ વરસાદ. 

જાફરાબાદમાં વીજ પુરવઠો ખોરવાયો

તૌક્તે વાવાઝોડાના કારણે જાફરાબાદમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 16 કિમી પ્રતિ કલાકથી આગળ વધી રહ્યું છે વાવાઝોડુ.

મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેટ કંટ્રોલ રૂમથી તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્ટેટ કંટ્રોલ રૂમથી તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. પ્રભાવિત વિસ્તારોના જિલ્લા કલેક્ટરોને ફોન કરી માહિતી મેળવી છે. 


 

રાજુલા પ્રાત કચેરીના કાચ તૂટ્યા


અમરેલી જિલ્લામાં હાલ વાવાઝોડાની પરિસ્થિતિને લઈને રાજુલા પ્રાત કચેરીના કાચ તૂટ્યા છે. રાજુલા-જાફરાબાદમાં સ્થિતિ વિકટ છે. ભારે પવન સાથે પડી રહ્યો છે ભારે વરસાદ. પ્રાંત અધિકારીનું કહેવું છે સ્થિતિ ખૂબ ગંભીર છે. હાલ કચેરીના ગેઇટ બંધ કરી દેવામાં આવ્યા અને બહાર ન નીકળી શકાય તેવી સ્થિતિ છે. 

પવનની ગતિ 160 થી 170  કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે

આ વાવાઝોડાનું  કેન્દ્ર આગામી બે કલાકમાં દીવના પૂર્વેથી સૌરાષ્ટ્રમાં ગમે તે સમયે ઓળંગી જાય  તેવી શક્યતાઓ છે.  આ સમયે વાવાઝોડાના કેન્દ્રીય વિસ્તારોમાં પવનની ગતિ 160 થી 170  કિ.મી. પ્રતિ કલાક રહી શકે છે, જે 190કિ.મી/કલાક સુધી વધી શકે છે.

વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 16 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે

ભારતીય હવામાન ખાતા દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ (અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન) ''તૌક્તે'' સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે, તે મુજબ આ સ્ટ્રોમ આજે રાત્રે  09:30 કલાકે તે  દીવથી પૂર્વે 25 કિ.મી. દૂર સ્થિત છે. ''તૌક્તે'' વાવાઝોડું ઉત્તર દિશામાં છેલ્લા છ કલાકમાં 16 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યા અનુસાર આ વાવાઝોડાનો આઉટર ક્લાઉડ (બાહ્યાવર્તી ભારે વરસાદી વાદળા) સૌરાષ્ટ્ર ક્ષેત્ર ઉપર ઝળુંબી રહ્યા છે. 

રાજ્યના 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી


તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યના 4 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા બે કલાકમા પૂર્ણ થશે. તૌક્તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. ગીર સોમનાથમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. 

ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી

તૌક્તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાયું છે. ઉના દીવન વેરાવળ સહિતના વિસ્તારોમાં ખૂબ જ ભારે અસર જોવા મળી રહી છે.  ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. 

દીવમાં અનેક વૃક્ષો ધરાશાયી


તૌક્તે વાવાઝોડાના કારણે દીવમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. રાત્રે 1 વાગ્યા સુધી તૌક્તે વાવાઝોડાની અસર રહેશે. મહુવામાં ભારે પવન સાથે મુશળધાર વરસાદ વરસ્યો છે. 

દરિયામાં રાત્રે પણ જોવા મળ્યો કરંટ


વલસાડ  જિલ્લાના દરિયા કિનારા પર તોફાની માહોલ જોવા મળ્યો  છે. દરિયામાં રાત્રે પણ જોવા મળ્યો કરંટ. કિનારા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયા કિનારા વિસ્તારમાં અનેક જગ્યાએ કાચા છાપરાની છત ઉડી તો ઝાડ પડવાના બનાવો પણ બન્યા છે.

વીજપોલ અને વૃક્ષો  ધરાશાયી

તૌક્તે વાવાઝોડુ ગુજરાતના દરિયાકિનારે ટકરાયું છે. વાવાઝોડાના કારણે વેરાવળ, સોમનાથ, ઉના કોડિનારમાં 80થી 130 કીમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો છે. વીજપોલ અને વૃક્ષો  ધરાશાયી થયા છે. 

વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની શરુઆત થઈ ગઈ

તૌક્તે વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની શરુઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત અનુસાર તૌક્તે વાવાઝોડું ગુજરાતના દરિયાંઠે ટકરાયું છે. જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના વિવિધ ભાગમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાત્રે 1 વાગ્યા સુધી વાવાઝોડાની અસર રહેશે


ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢને વધારે અસર થશે. રાત્રે 1 વાગ્યા સુધી વાવાઝોડાની અસર રહેશે. દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં 100 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. 

ગુજરાતના દરિયા કિનારે નજીક પહોચ્યું વાવાઝોડુ


ગુજરાતના દરિયા કિનારે નજીક પહોચ્યું વાવાઝોડુ. વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા 2 કલાકમાં શરૂ થશે. આ માહિતી ભારતીય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. 

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ

તૌક્તે વાવાઝોડુ થોડીવારમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. આ પહેલા જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. 

2 લાખ લોકોનું સ્થળાંતર

તૌક્તે વાવાઝોડાને લઈને રાજ્યના 18 જિલ્લામાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 44 NDRFની ટીમ પણ ખડેપગે રાખવામાં આવી છે. 

અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના ટાઉનશીપમાં વૃક્ષો ધરાશાયી

રાજુલા તાલુકાના કોવાયા નજીક આવેલ અલ્ટ્રાટેક સીમેન્ટમાં વૃક્ષો ધરાશયી થયા છે.  પવન સાથે વરસાદ આવતા અલ્ટ્રાટેક સીમેન્ટ કંપનીના ટાઉનશીપમાં વૃક્ષો ધરાશાયી થયા છે.

તૌક્તે વાવાઝોડુ ત્રાટકવાનું કાઉન્ટડાઉન શરુ

તૌક્તે વાવાઝોડુ ત્રાટકવાનું કાઉન્ટડાઉન શરુ,  દીવમાં 160 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 

શિયાલબેટ ટાપુ નજીક લાંગરેલી 3 બોટ તણાય

અમરેલીના જાફરાબાદના શિયાલબેટ ટાપુ નજીક લાંગરેલી 3 બોટ ભારે પવન સાથે વરસાદ આવતા તણાય ગઈ છે. 3 બોટ લાંગરેલી હતી.  ભારે પવન અને વરસાદના કારણે તણાય જતા તૂટી પડી. રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકીને ગ્રામજનોએ જાણ કરી છે. 

રાજ્યના 18 જિલ્લામાં 2 લાખ લોકોનું સ્થળાંતર

રાજ્યના 18 જિલ્લામાં 2 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથમાં 32 હજાર 250 લોકોનું કરાયું સ્થળાંતર. વાવાઝોડાની મહત્તમ અસર સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેશે. જેથી આર્મીની ટીમ મોટાભાગે સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરશે.

અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા બંધ


અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવા બંધ કરવામાં આવી છે. સાંજે સાડા સાત વાગ્યાથી લઈને સવારે પાંચ વાગ્યા સુધી હવાઈ સેવા બંધ કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના એરપોર્ટ પર હવાઈ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

દીવથી માત્ર 90 કિમી દૂર

તૌક્તે વાવાઝોડુ ગુજરાતથી વધારે નજીક આવ્યું છે. તૌક્તે વાવાઝોડુ સંઘ પ્રદેશ દીવથી માત્ર 90 કિમી દૂર છે. વાવાઝોડૂ નજીક આવતા જ કાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂકાવાનું શરુ થયું છે. દિવ, વેરાવળ, મહુવા અને ઘોઘાના દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શરુઆત થઈ ગઈ છે. 

જાફરબાદમાં વાવાઝોડાની તોફાની અસર

તૌક્તે વાવાઝોડું ગણતરીની કલાકોમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે.  જાફરબાદમાં વાવાઝોડાની તોફાની અસર જોવા મળી રહી છે. ભારે વરસાદ સાથે પવન ફૂંકાઈ રહ્યો છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભયાવહ કરતું વાતાવરણ જાફરાબાદમાં સર્જાયું છે. 

દીવનો દરિયો તોફાની બન્યો


તૌક્તે વાવાઝોડું નજીક પહોંચતા જ દીવનો દરિયો તોફાની બન્યો છે. દીવના દરિયામાં કરંટ વધતા ત્રણ મીટર ઉંચા  મોજા ઉછળ્યા હતા. બ્લુ ફ્લેગ બીચને ભારે નુકસાનની સંભાવના છે. 

મુંબઈ એરપોર્ટને બંધ રાખવાના સમયમાં વધારો કરવામાં આવ્યો


તૌક્તે વાવાઝોડાના કારણે મુંબઈ એરપોર્ટને બંધ રાખવાના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 8 વાગ્યા સુધી એરપોર્ટ પર ફ્લાઈટની અવર-જવર બંધ રહેશે

વાવાઝોડાની અસર પાટણ અને હારીજમાં


તૌક્તે વાવાઝોડાની અસર પાટણ અને હારીજમાં જોવા મળી છે.  ઠંડો પવન ફૂંકાવાની સાથે છૂટો છવાયો  વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને ગંભીરતા  જોતા તંત્ર એલર્ટ બન્યું છે.  શહેરમાં લગાવેલા હોર્ડિંગ્સ ઉતારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વલસાડ તાલુકામાંથી જ ૧૧૦૦ જેટલા લોકોને સ્થળાંતરિત કરી દેવાયા

વલસાડ તિથલ દરિયા કિનારે દરિયામાં હાલ મોજા ઉછળી રહ્યા છે તો તેની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ વલસાડના તીથલ ગામ અને કોસંબા ગામની મુલાકાત લઇ રહ્યા છે.  હાલ વલસાડ તાલુકામાંથી જ ૧૧૦૦ જેટલા લોકોને સ્થળાંતરિત કરી દેવાયા છે જેમાં મગો થી લઈને કોસંબા સુધીના દરિયાથી નજીક જેમના ઘર છે તેમને સ્થળાંતરિત થવા માટે જણાવ્યું છે. 

પ્રધાનમંત્રી  મોદીએ વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરી

પ્રધાનમંત્રી  મોદીએ  ગુજરાતના મુખ્યમંત્રી  વિજય રૂપાણી સાથે ટેલિફોનીક વાતચીત કરીને ગુજરાતમાં તૌક્તે વાવાઝોડાની સ્થિતિના સામના માટે રાજ્ય સરકારની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતને આ વાવાઝોડાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ માટેની તત્પરતા પણ મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં વ્યકત કરી હતી.

વાવાઝોડુ  દીવથી 130 કિલોમીટર દૂર

હવામાન વિભાગના જણાવ્યા  મુજબ  વાવાઝોડુ  દીવથી 130 કિલોમીટર દૂર છે. તૌક્તે વાવાઝોડુ મુંબઈથી 165 કિલોમીટર દૂર છે. તૌક્તે વાવાઝોડુ પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાશે.  

જાફરાબાદનો દરિયો તોફાની બન્યો


અમરેલી જિલ્લાનો  જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે.  તૌક્તે  વાવાઝોડાના પગલે જાફરાબાદનો દરિયો તોફાની બન્યો છે.  દરિયાના મોજામાં ઉછાળ વધ્યો છે. 
પવનની ગતિ 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ  થઈ છે.  પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે.

મહુવા પંથકમાં  સંભવિત  વાવાઝોડાની  અસર

ભાવનગર  જિલ્લાના મહુવા પંથકમાં  સંભવિત  વાવાઝોડાની  અસર જોવા મળી રહી છે.  મહુવાના મોટા ખૂટવડા ગામે પવન સાથે વરસાદનુ  આગમન થયું છે.  મહુવા પંથકના દરિયાકાંઠાના મોટા ખૂટવાડા ગામે  વરસાદના પગલે વીજળી ગુલ થઈ છે.   મોટા ખૂટવડાના રોડ રસ્તાઓ વરસાદના કારણે પાણી પાણી થયા છે.


 


 

રાજુલા-જાફરબાદમાં અંધારપટ

વાવાઝોડું આવે તે પહેલા અમેરલી જિલ્લામાં વીજળી ડૂલ થઈ છે. જાફરાબાદમાં છેલ્લા દોઢ કલાકથી અને રાજુલામાં એક કલાકથી અંધારપટ છે. વાવાઝોડાના પગલે વીજ પુરવઠો ખોરવવાની શક્યા પહેલા વ્યક્ત કરવામાં આવી હતી.

ભરૂચના વાગરા તાલુકામાં 1500 થી વધુ લોકોનું સ્થળાંતર

ભરૂચના વાગરા તાલુકામાં 1500 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ જિલ્લામાં વાવાઝોડાની સૌથી વધુ અસર આ વિસ્તારમાં જોવા મળી શકે છે. જેને લઈ ઉદ્યોગોને સતર્ક કરવામાં આવ્યા છે.

શિયાળબેટનો દરિયો ગાંડોતૂર બન્યો

અમરેલીના પીપાવાવમાં શિયાળ બેટનો દરિયો ગાંડોતૂર બન્યો છે. જેના કારણે પીપાવાવ પોર્ટને બંધ કરવાની ફરજ પડી છે. શિયાળબેટ પીપાવાવની બોટ સેવા બંધ થઈ શકે છે.

ગુજરાત સરકારની ઝીરો કેઝ્યુઆલિટી અભિગમઃ વિજય રૂપાણી

મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ વાવાઝોડામાં કોઇ જાનહાનિ ન થાય તેવા ‘‘ઝીરો કેઝયુઆલીટી’’ અભિગમ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, કચ્છ, જામનગર, દ્વારકા, વલસાડ, ભરૂચ સહિતના જિલ્લાઓમાં દરિયાકાંઠે વસેલા તેમજ કાચા મકાનોમાં, નદી કિનારે વસતા લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવાની કામગીરી વેગવાન બનાવી છે અને દોઢ લાખ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, એક તરફ કોવિડ-19 મહામારીનું સંક્રમણ અને બીજી તરફ આ સંભવિત વાવાઝોડાની આફત એમ બેય સામે રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર પૂરી સજ્જતા અને સજાગતાથી કાર્યરત થયું છે.

નવસારીમાંથી કેટલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

નવસારી જિલ્લામાં સંભવિત વાવાઝોડાને પગલે વહીવટીતંત્ર સાબદું થયું છે. સાથે સાથે રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રીઓ પણ અસરગ્રસ્ત થનારા ગામોની મુલાકાત લઈ રહ્યા છે. ઉભરાટ ખાતે આવેલા બોરસી માછીવાડ અને માંગરોળ જેવા ગામોમાં મંત્રી ઈશ્વર પરમારે મુલાકાત લીધી હતી ઉપરાંત સ્થળાંતર કરેલા લોકોને જમવાની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે કે નહીં એની પણ ખાતરી કરવામાં આવી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ૧૬ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને દરિયાકાંઠે આવેલા ગામો ની સુરક્ષા પણ વધારવામાં આવી છે. આ ગામોમાં ૧૦૯૩ લોકોને સુરક્ષિત સ્થળ ઉપર ખસેડવામાં આવ્યા છે. હાલ વહીવટી તંત્રની સાથે પોલીસ તંત્ર પણ લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ મોકલવા માટેની કામગીરી હાથ ધરી છે.

સોમનાથ ટ્રસ્ટ દરિયાકાંઠે રહેતા લોકોને ફૂડ પેકેટ આપશે

સોમનાથ ટ્રસ્ટ દ્વારા વાવાઝોડાને લઈને ફૂડપેકેટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરિયા કિનારે રહેતા લોકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ફુટ પેકેટ આપવામાં આવશે. સૌરાષ્ટ્રમાં દરિયાકિનારે વાવાઝોડું ટકરાય તે પહેલાં જ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે.

દીવનો દરિયા ગાંડોતૂર બન્યો

તૌકતે વાવાઝોડાના પગલે દીવનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયા કિનારે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠા પર જવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

બાંદ્રા વર્લી સી લિકં બંધ કરાયો

તૌક્તે વાવાઝોડાના કારણે મુંબઈનો બાંદ્રા વર્લી સી લિંક બંધ કરવામાં આવ્યો છે. હાલ દરમિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેને લઈ તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

અમરેલીના પીપાવાવ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ

અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.  10 નંબરનું સિગ્નલ અત્યંત ભયંકર પરિસ્થિતિ સૂચવે છે. અમરેલી જિલ્લાનો દરિયા કિનારો હાઇ એલર્ટ પર મુકવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લાના દરિયાકિનારે 150 કિલોમીટરની સ્પીડે પવન ફુકાવાની ભીતિ

ભાવનગર જિલ્લાના દરિયાકિનારે 150 કિલોમીટરની સ્પીડે પવન ફુંકાવાની ભીતિ છે. પોરબંદર-મહુવાના દરિયામાંથી વાવાઝોડુ સોમવાર સાંજથી મંગળવાર સવાર સુધીમાં પસાર થાય તેવી શકયતા છે.  દરિયા કિનારના ગામોમાંથી ૪ હજાર લોકોનુ સ્થળાંતર કરાયું છે. જિલ્લામાં ભારે પવન અને વરસાદની સંભાવના છે.

વાવાઝોડું ગુજરાતથી કેટલા કિમી દૂર ?

તૌકતે વાવાઝોડું ગુજરાતથી 350 કિમી, દીવથી 260 કિમી, મુંબઈથી 170 કિમી દૂર છે. છેલ્લા છ કલાકથી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.  તૌક્તેએ દિશા બદલી અને થોડું જમણી બાજુ ફંટાયું છે. ગજરાત પર ટકરાશે ત્યારે વેરિ સિવીયર સાઈક્લોનિક સ્ટ્રોમ હશે.

તૌકતેની તિવ્રતા અને ગતિમાં વધારો

તૌકતેની તિવ્રતા અને ગતિમાં વધારો થયો છે. વાવાઝોડુ ગુજરાતથી 480 કિલોમીટર દૂર છે. સોમવારે સાંજ સુધી ગુજરાતના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે

1.5 લાખ લોકોનું કરાશે સ્થળાંતર

ગુજરાતના દરિયાકાંઠાના નિચાણવાળા વિસ્તારોમાંથી 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યાં છે. 54 NDRFટીમ અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.

વાવાઝોડુ આગામી 24 કલાકમાં બનશે વધુ તીવ્ર

ભારતના હવામાન વિભાગે(IMD) અનુસાર,  વાવાઝોડુ આગામી 24 કલાકમાં ખૂબજ તીવ્ર બની શકે છે અને તે સોમવારે સાંજ સુધી ગુજરાતના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે.  હવામાન વિભાગના અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગરના મહુવા વચ્ચે વહેલી સવારે ટકરાઈ શકે. 

વાવાઝોડુ આગામી 24 કલાકમાં બનશે વધુ તીવ્ર

ભારતના હવામાન વિભાગે(IMD) અનુસાર,  વાવાઝોડુ આગામી 24 કલાકમાં ખૂબજ તીવ્ર બની શકે છે અને તે સોમવારે સાંજ સુધી ગુજરાતના દરિયા કાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે.  હવામાન વિભાગના અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગરના મહુવા વચ્ચે વહેલી સવારે ટકરાઈ શકે. 

વાવાઝોડુ ગુજરાતથી 588 કિલોમીટર દૂર

તૌકતેની તિવ્રતા અને ગતિમાં વધારો થઈ રહ્યો છે. વાવાઝોડુ ગુજરાતથી 588 કિલોમીટર દૂર છે. NDRFની 44 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. 


 

અમદાવાદમાં વરસાદ

અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. અમદાવાદ  શહેરના નારણપુરા, શાહપુર, પ્રહલાદનગર અને વાસણા વિસ્તારમાં વિસ્તારમાં પવન સાથે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. 

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વેરી સિવિયર સાઈક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. 18મેની સવારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે.  

તૌકતે એકદમ ભયાનક વાવાઝોડામાં ફેરવાયુ, ગુજરાત માટે એલર્ટ

વાવાઝોડુ તૌકતે બહુજ ગંભીર અને ભયાનક ચક્રવાતી વાવાઝોડમાં ફેરવાઇ ગયુ છે, અને તે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યુ છે. આઇએમડીએ કહ્યું- તેમને ગુજરાત અને દમન દીવ માટે યેલો એલર્ટ જાહેર કરી દીધુ છે. 18 મે સુધી પવનની ગતિ 150-160 કિલોમીટર પ્રતિ કલાક સુધી વધવાના આસાર છે, જ્યારે થોડાક સમય માટે હવાની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે. 

NDRFએ જુદાજુદા રાજ્યોમાં 79 ટીમોને કરી તૈનાત 

તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને NDRFએ જુદાજુદા રાજ્યોમાં 79 ટીમોને તૈનાત કરી દીધી છે, એટલુ જ નહીં સાથે 22 વધારાની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે. જહાજો અને વિમાનોની સાથે આર્મી, નેવી અને કૉસ્ટગાર્ડ બચાવ અને રાહત દળ પણ તૈનાત કરવામાં આવ્યુ છે.

કેરાલાના દરિયાકાંઠે તૌકતેએ મચાવ્યો કેર

Cyclone Tauktaeના કારણે કેરાલાના તિરુવનંતપુરમના દરિયાકાંઠામાં એક તટીય ગામ વલિયાથુરામાં તૌકતેએ કેર મચાવ્યો છે. અહીં કેટલાય ઘરોને ભારે નુકશાન થયુ છે, એક સ્થાનિક મહિલાએ જણાવ્યુ કે, મારુ વાવાઝોડાથી અડધાથી વધુ નષ્ટ થઇ ગયુ. હુ મારા ઘરને બચાવવા માટે એક એક કરીને કરીને ભારે પથ્થર લઇ જઇ રહી છું

ગુજરાતથી 600 કિલોમીટર દૂર વાવાઝોડુ

તૌકતેની તિવ્રતા અને ગતિમાં વધારો થયો છે. ગુજરાતથી 600 કિલોમીટર વાવાઝોડુ દૂર છે. NDRFની 44 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. વાવાઝોડા પહેલાની અસર શરૂ શરુ થઈ ગઈ છે. સુરતમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ, 

ગોવામાં વાવાઝોડાએ મચાવી તબાહી

તૌકતે વાવાઝોડું ગોવાથી હજુ 130 કિલોમીટર દૂર છે, પરંતુ તેની અસર અત્યારથી જ ગોવામાં જોવા મળી રહી છે. સાઉથ ગોવાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા અનેક વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. સાથે જ અમુક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી જતા વીજળી ગૂલ થઇ ગઇ છે. હાલ તો તમામ અધિકારીઓ કામે લાગી ગયા છે અને તાત્કાલિક ધોરણે વૃક્ષો અને વીજળીના થાંભલા દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

ગોવામાં વાવાઝોડાથી અનેક વૃક્ષો ધરાશાયી

ગોવામાં દરિયાકાંઠે વાવાઝોડાએ અસર બતાવવાનુ શરૂ કરી દીધુ છે. વાવાઝોડાના કારણે અહીં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. આ કારણે અહીં અનેક જગ્યાએ મોટા મોટા વૃક્ષો પણ ધરાશાયી થઇ ગયા છે. 

જલાલપોર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની અસર શરૂ થઈ ગઈ છે. નવસારી શહેરમાં આવેલા જુનાથાણા ટાવર રોડ મંકોડીયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. જ્યારે જલાલપોર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો  છે.  શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળી થઈ ગુલ થઈ છે. 

નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની અસર શરૂ

તૌકતે વાવાઝોડુ તીવ્ર બન્યું છે. વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તાર પહોંચવાનું અનુમાન છે. ત્યારે નવસારી જિલ્લામાં વાવાઝોડા પહેલાની અસર શરૂ થઈ ગઈ છે. નવસારી શહેરમાં આવેલા જુનાથાણા ટાવર રોડ મંકોડીયા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. 

જલાલપોર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ

તૌકતે વાવાઝોડાની અસર ગુજરાતમાં શરૂ થઇ ચૂકી છે, જલાલપોર તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો  છે. શહેરમાં અનેક વિસ્તારોમાં વીજળી થઈ ગુલ થઈ છે. 

વલસાડના પારડીમાં પણ વરસાદ

તૌકતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ચૂક્યો છે. વલસાડના પારડીમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. હાલ ધીમી ધારે અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. 

તૌકતે વાવાઝોડુ બન્યુ તિવ્ર

તૌકતે વાવાઝોડુ તિવ્ર બન્યું છે. વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડુ 17 મેના સાંજે ગુજરાતના કાંઠા વિસ્તાર પહોંચવાનું અનુમાન છે. વાવાઝોડૂ હાલમાં વેરાવળથી 680 કિમી દૂર છે. 

તૌક્તે વાવાઝોડની ગોવામાં તબાહી

તૌક્તે વાવાઝોડાએ ગોવામાં તબાહી મચાવી છે. ભારે પવન ફૂંકાતા ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે જ્યારે કર્ણાટકમાં ભારે વરસાદથી ચારના મોત થયા છે. 

ગુજરાત સરકારને એક સલાહ

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુજરાત સરકારને એક સલાહ આપી છે, કહ્યું કે ભારે વાવાઝોડાના કારણે નજીકના ઘરો, રસ્તાંઓ, વીજળી અને સંચાર લાઇનોને નુકશાન થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓ જેવા કે દ્વારકા, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, રાજકોટ અને મોરબી વગેરેમાં.

વાવાઝોડા પર અમિત શાહ રાખી રહ્યાં છે નજર, મીટિંગ ચાલુ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા તૌકતેથી ઉત્પન્ન થયેલી સ્થિતિને નિપટવા માટે સંબંધિત રા્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો, સંબંધિત એજન્સીઓની તૈયારી પર નજર રાખી રહ્યાં છે. આ તમામ વસ્તુઓ માટે અમિતા શાહ ગુજરાત, મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ, દમન અને દીવ અને દાદરાનનગર હવેલીના પ્રશાસકોની સાથે બેઠક કરી છે. 

કાંઠા જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક રહેવાનો આદેશ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કાંઠા જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક રહેવાનો નિર્દેશ કર્યો છે. ઠાકરેએ બેઠકમાં કહ્યું- પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ જિલ્લાઓમાં કલેક્ટરોને તમામ આવશ્યક સાવધાની રાખવાનુ કહેવામા આવ્યુ છે. 

કાંઠા જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક રહેવાનો આદેશ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેએ કાંઠા જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક રહેવાનો નિર્દેશ કર્યો છે. ઠાકરેએ બેઠકમાં કહ્યું- પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ જિલ્લાઓમાં કલેક્ટરોને તમામ આવશ્યક સાવધાની રાખવાનુ કહેવામા આવ્યુ છે. 

વાવાઝોડાથી કર્ણાટકામાં 4ના મોત

કર્ણાટકાના કેએસડીએમએ વિભાગે કહ્યું- તૌકતે વાવાઝોડાના કારણે છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લા, 3 કાંઠા જિલ્લા અને 3 મલનાડ જિલ્લાઓમા ભારે વરસાદ પડ્યો છે. અત્યાર સુધી આ કારણે 4 લોકોના મોત થઇ ચૂક્યા છે, એટલુ જ નહીં વાવાઝોડા અને વરસાદથી 73 ગામડાઓ અસરગ્રસ્ત થયા છે. 

ગીર સોમનાથમાં સ્થળાંતર પહેલા રેપિડ ટેસ્ટ કરાશે

ગીર સોમનાથમાં 12 હજાર કરતા વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. સ્થળાંતર પહેલા રેપિડ ટેસ્ટ કરવામાં આવશે. જો પોઝિટિવ હોય તેવા લોકોને અલગ રાખવામાં આવશે. લોકોમાં જાગૃતિ ન હોવાના કારણે ટેસ્ટ માટે આવતા નથી. આશાવર્કરો ઘરે ઘરે જઈને શંકાસ્પદ લોકો હોય તેમને સાવચેતી રાખવા સૂચના આપે છે.

NDRFની ટીમો તૈનાત

તૌકતે વાવાઝોડા વચ્ચે કેરળ, ગોવા, મુંબઈના તટીય વિસ્તારમાં શરૂ થયો વરસાદ. વાવાઝોડાને લઈ NDRFની 100 ટીમ તૈનાત.  તૌકતે વાવાઝોડાના પગલે અમદાવાદ, ગાંધીનગરમાં વહેલી સવારના વરસાદી ઝાપટા.. સૌરાષ્ટ્ર- કચ્છમાં છવાયુ વાદળછાયુ વાતાવરણ.

વાવાઝોડાના કારણે પડશે ભારેથી અતિભારે વરસાદ

વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે.  વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

દરિયામાંથી કેટલી બોટો પરત ફરી નથી

તૌકતે વાવાઝોડાને લઈને દરિયામાં માછીમારી માટે ગયેલી બોટને પરત બોલાવવામાં આવી છે. ગીર સોમનાથમાં 11 બોટ, અમરેલીમાં 94 બોટ કાંઠે પરત આવી છે. ગીર સોમનાથમાં દરિયામાં હજી પણ 24 બોટ છે. જ્યારે અમરેલીમાંથી હજી 13 બોટ પરત નથી આવી.

અમદાવાદ રેલવે સ્ટેશન પર કંટ્રોલરૂમ શરૂ કરાયો

સંભવિત તૌકતે વાવાઝોડાના પગલે અમદાવાદ રેલવે સ્ટેશન પર કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. પશ્ચિમ રેલવે દ્વારા વાવાઝોના કારણે થનારી સંભવિત અસરને પહોંચી વળવા આગોતરું આયોજન કરાયું છે. ગાંધીધામ આસપાસના વિસ્તારમાં ટ્રેકને નુકશાન થાય તો તાત્કાલિક રીપેર કરવા તૈયારી કરાઈ છે. રેલવે કોલોનીમાં રહેતા કર્મચારીઓના પરિવારને જરૂર પડે ખસેડવાની તૈયારી પણ કરાઈ છે. કચ્છ- સૌરાષ્ટ્રની પેસેન્જર ટ્રેન રદ્દ કરાઈ છે, જરૂર પડશે તો ગુડ્સ ટ્રેન પણ રોકવામાં આવશે. કંટ્રોલરૂમમાં રાઉન્ડ ધી કલોક અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાંથી કયારેથી પસાર થશે વાવાઝોડું

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાઉથ મુંબઈથી 409 કિમી, વેરાવળથી 730 કિમી દૂર વાવાઝોડું છે. આ વાવાઝોડું પોરબંદર અને મહુવા વચ્ચેથી 18 મેના રોજ વહેલી સવારે પસાર થશે.

ટૌક્તેનો શું થાય છે અર્થ

વાવાઝોડાને 'ટૌકતે'  નામ મ્યાંમાર દ્વારા આપવામાં આવેલું છે. મોટો અવાજ ધરાવતી ગરોળીને 'ટૌકતે' તરીકે ઓળખવામાં આવે છે. 'ટૌકતે' વર્ષ ૨૦૨૧નું સૌપ્રથમ વાવાઝોડું છે. વિશ્વમાં જે પણ કોઇ વાવાઝોડું આવે છે તેને એક ચોક્કસ નામ આપવામાં આવતું હોય છે. હવે તેવી તે જાણવાની ઉત્સુક્તા હોય તે સ્વાભાવિક છે કે વાવાઝોડાને નામ કઇ રીતે આપવામાં આવે છે. અરબી સમુદ્ર અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવતાં દરિયાઇ વાવાઝોડાંનું નામ રાખવાની પ્રથમ વર્ષ ૨૦૦૪થી શરૃ થઇ હતી. જેના માટે એક યાદી બનાવવામાં આવેલી હતી. આઠ દેશના ક્રમાનુસાર આઠ નામ આપવામાં આવે છે. જ્યારે જે પણ દેશનો ક્રમ આવે ત્યારે તે દેશ દ્વારા આપવામાં આવેલા નામથી વાવાઝોડાનું નામકરણ કરવામાં આવે છે. આ વાવાઝોડાંનું નામ શક્ય તેટલું ટૂંકું હોવું એ તેની પૂર્વશરત છે. જે ૧૩ દેશ દ્વારા વાવાઝોડાના કુલ ૬૪ નામ આપવામાં આવેલા છે


 

બ્રેકગ્રાઉન્ડ

સૌરાષ્ટ્ર બાદ હવે અમદાવાદમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદમાંથી પસાર થયા બાદ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ જશે. ગાંધીનગરમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. આગામી 24 કલાક રાજ્યના વિવિધ વિભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.