ગાંધીનગર: ગુજરાત પર ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાના (Cyclone Tauktae) કારણે થયેલા નુકસાનને લઈ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (Guajrat CM Vijay Rupani) પત્રકાર પરિષદ કરી હતી. જેમાં નીતિન પટેલ, આર.સી.ફળદુ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યમંત્રીએ કહ્યું, મોટાભાગના ગામડામાં વીજળી રી સ્ટોર થઈ ચૂકી છે. 450 ગામમા વીજળીનું કામ ચાલી રહ્યુ છે. કલકત્તાથી વીજળી રિસ્ટોર કરવા માટે ટીમ બોલાવી છે.
રૂપાણીએ એમ પણ કહ્યું, 25 થી 26 કલાક ગુજરાતને સ્પર્શીને વાવાઝોડું આગળ વધ્યું હતું. વાવાઝોડામાં કામગીરી કરનારા તમામ કર્મચારીઓને અભિનંદન. પીએમ મોદીએ પણ ગુજરાતની ચિંતા કરી છે. 6 દિવસમાં બધાં રસ્તાઓ ખોલી દેવામાં આવ્યાં છે. સૌથી વધું નુકશાન વીજ કંપનીઓને થયું છે, ખેતીવાડીને મોટું નુકશાન થયું છે. ઝડપથી સર્વે થઈ રહ્યો છે. એગ્રી કલ્ચર કનેક્શનને પણ પૂર્વવત કરવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું, 66 કેવીનાં 229 સ્ટેશનો બંધ થઈ ગયા હતાં. વીજ પૂરવઠો પૂર્વવત કરવા માટે યુદ્ધનાં ધોરણે કામગીરી ચાલી રહી છે. આવતાં બે થી 3 દિવસમા બધાં જ સબ સ્ટેશનો ચાલુ થઈ જશે. 30 મી સુધીમાં મોટા ભાગના ગામડાઓમાં વીજળી પહોંચી જશે. માત્ર જાફરાબાદ સિવાય કોઇ શહેરમાં વીજળી ન હોય તેવું નથી. 10 હજારથી વધુ કર્મચારીઓ અમરેલી ભાવનગર સર્કલમાં કામગીરી કરી રહ્યા છે. 1 લાખ થાંભલાઓ એગ્રીકલ્ચર વિભાગમાં પડી ગયા છે.
કૃષિ મંત્રી આર સી ફળદુએ કહ્યું,ખેતી વાડીને નુકશાની થઈ તેમાંથી બેઠા થઈ શકીશું પણ સદનસીબે જીવ હાનિ ન થઈ તે મહત્વનું છે. બાગાયતી અને ખેતી પાકોને જે નુકશાન થયુ તેનાં આધારે અહેવાલો મગાવ્યા હતાં, જેના આધારે ગ્રામ સેવકોની ટિમો બનાવીને સર્વે કરાવ્યો છે. 138 કૃષિ વિજ્ઞાનીઓ ફિલ્ડમાં વિઝીટ કરી રહ્યાં છે. 14 થી 15 ટકા જેટલી સર્વે ની કામગીરી બાકી છે જેને ઝડપ થી પુર્ણ કરવામાં આવશે. સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણતાનાં આરે છે. સર્વેની કામગીર પૂર્ણ થયાં બાદ સીએમ કક્ષાએથી નુકશાની વળતરની જાહેરાત કરવામાં આવશે.