જૂનાગઢઃ કેશોદના મેસવાણ ગામમાં દંપતીએ હજુ એક વર્ષ પહેલા દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી, ત્યાં પતિનું મોત થતાં યુવતી વિધવા બની હતી. જોકે, યુવકના માતા-પિતાએ વિધવા બનેલી પુત્રવધૂને દીકરી કરતા પણ ઉંચુ સન્માન આપી અન્ય જગ્યાએ પરણાવી હતી. સાસુ-સસરાએ પુત્રવધૂને દીકરી બનાવી કન્યાદાન કર્યું હતું. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, કેશોદના મેસવાણ ગામે રહેતા વિજયભાઈ હાજાભાઈ વાઢિયાએ પુરીબેન નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે, એક જ વર્ષના સુખી દાંપત્ય જીવન દરમિયાન વિજયભાઈનું અગમ્ય કોરોણસર નિધન થતા પત્ની યુવાન વયે જ વિધવા બની હતી. 


જોકે, યુવાન વયે વિધવા બનેલી પુત્રવધૂ માટે સાસુ-સસરા માતા-પિતા બન્યા હતા અને પુત્રવધૂને પરણાવવાનું નક્કી કર્યું હતું. દરમિયાન હાજાભાઈ રામભાઈ વાઢિયા અને રાંભીબેન વાઢિયાએ પુત્રવધૂના લગ્ન કાલવાણી ગામે રહેતાં કારાભાઈ વાડલિયા અને ભુરીબેન વાડલિયાના પુત્ર અરવિંદ સાથે નક્કી કર્યા હતા. ગત 24 મેના રોજ પુત્રવધુનું કન્યાદાન કરી એક દીકરી કરતાં ઉચ્ચું સન્માન આપી તેને વળાવી હતી.