નવી દિલ્હીઃ વાયુ વાવાઝોડાને લઇને ફરીવાર ગુજરાત પર ખતરો તોળાઇ રહ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઇના  અહેવાલ અનુસાર, વાયુ વાવાઝોડુ ફરી ગુજરાતના કચ્છ  દરિયાકાંઠા પર ટકરાઇ શકે છે. અર્થ સાયન્સ મંત્રાલયના એક ટોચના અધિકારીએ કહ્યુ હતું કે, વાયુ વાવાઝોડુ પાછુ ફરી રહ્યુ છે અને કચ્છના દરિયા કાંઠા પર ટકરાવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન વાયુ વાવાઝોડુ પશ્વિમ તરફ આગળ વધવાનો અંદાજ છે. ત્યારબાદ તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી શકે છે. તેને લઇને ગુજરાત સરકાર એલર્ટ પર છે.

અર્થ સાયન્સ મંત્રાલયના સચિવ એમ  રાજીવને કહ્યુ હતું કે, વાયુ વાવાઝોડું  16 જૂન અને 18 જૂન વચ્ચે કચ્છના દરિયાકાંઠા પર ટકરાઇ શકે છે. વાયુ સાઈક્લોનનો ખતરો હજી ટળ્યો નથી. તેની તીવ્રતા ચોક્કસપણે ઘટી રહી છે. પરંતુ તે ડીપ ડીપ્રેશન અથવા તો સાઈક્લોનિક સ્ટોર્મ તરીકે ગુજરાતના સમુદ્રકાંઠે ત્રાટકે તેવી પૂરેપૂરી શક્યતા છે. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારને આ બાબતને લઇને સતર્ક રહેવું જોઇએ. નોંધનીય છે કે અગાઉ વાયુ વાવાઝોડુ ગુરુવારે ગુજરાતના પોરબંદર અને દિવની વચ્ચે ટકરાવાનું  હતું. પરંતુ બાદમાં વાવાઝોડું  ઓમાન તરફ વળી ગયું હતું.