Dahod News:  દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, દાહોદમાં ગરબાડા-અલીરાજપુર હાઈવે પર પાટીયાઝોલ ગામના તળાવ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો.


અકસ્માત એટલો ભીષણ હતો કે છ લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા તો એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ ગરબાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. 


રાજ્યમાં અકસ્માતની બીજી ઘટના સુરેન્દ્રનગરમાં બની હતી. સુરેન્દ્રનગરના લખતરનું ઝામર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં ચાર લોકોના સ્થળ પર મોત નિપજ્યા હતા. પલાસા ખાતે માતાજીની બાધા માટે ચાર લોકો એક કારમાં જતા હતા. આ દરમિયાન ઝામર ગામ પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતમાં સ્થળ પર જ કારમાં સવાર ચારેય લોકોના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસની સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. અમદાવાદ-લખતર હાઈવે અકસ્માતનો એપી સેન્ટર બની ગયો છે કારણ કે છેલ્લા ચાર દિવસમાં પાંચ લોકોના અકસ્માતમાં મોત નીપજ્યા છે.


અગાઉ ગઇકાલે પોરબંદરના કુતિયાણાના તાલુકાનાં બાવળાવદર વાડી વિસ્તારમાં પાણી ભરવા ગયેલી 18 વર્ષની યુવતીનું અકસ્માતે કૂવામાં પડી જતાં મોત થયું હતું. ઘટનાની જાણકારી મળતા પોરબંદર ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પહોંચી એક કલાકની જહેમત બાદ કૂવામાંથી યુવતીના મૃતદેહને બહાર કાઢ્યો હતો.


ઉલ્લેખનીય છે કે ગઇકાલે અરવલ્લીના મોડાસાના બામણવાડ પાસે ટ્રકમાં ભીષણ આગથી ત્રણના મોત થયા હતા. જ્યારે ટ્રકમાં 150થી વધુ ઘેટા-બકરા ભરવામાં આવ્યા હતા. વીજ તારને અડકી જતા ટ્રક સળગી ઊઠી હતી.  જે બાદ બાળક સહિત ત્રણના મોત થયા. ટ્રકમાં ભરવામાં આવેલા સાથે જ 150થી વધુ ઘેટા બકરા પર બળીને ખાખ થઇ ગયા હતા. મોડાસા તાલુકાના શામળાજી હાઇવે પાસે આવેલા બામણવાડ ગામ પાસેથી ઘેટાં બકરાં ભરેલી એક ટ્રક પસાર થતી હતી. ત્યારે ટ્રક જીવંત વીજતારને અડકી જતા ટ્રકમાં એકાએક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. ટ્રકમાં રહેલાં 150 જેટલાં ઘેટાં-બકરાં બળીને ભડથું થઈ ગયાં હતા.