અમદાવાદ કાંકરિયાને એક નવુ નજરાણું મળવા જઇ રહ્યું છે. અમદાવાદ કાંકરિયા થી સાળંગપુર મંદિર સુધી ડેઈલી હેલિકોપ્ટર રાઈડ શરૂ થવા જઇ રહી છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેં મહિના આ હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે. યાત્રા ધામ વિકાસ બોર્ડ ની જાહેરાત અંતર્ગત સાળંગપુર હનુમાનજી મંદિર દ્રારા મંદિર થી 700 મીટર ના અંતરે બે હેલિપેડ બનાવવામાં આવ્યાં છે. આ રાઇડના ભાડાની વાત કરીએ તો પ્રાથમિક માહિતી મુજબ આશરે 30 હજાર જેટલું ભાડું હશે. હેલિકોપ્ટરમાં 6 લોકોની સિટિંગની ક્ષમતા હશે.
આગામી દિવસમાં યાત્રા ધામ વિકાસ બોર્ડનો અંબાજી,શ્રીનાથજી,પાલીતાણા,સાળંગપુર, સોમનાથ,વડનગર,નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ તલગાજરડા સહિત યાત્રા ધામ પર હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવાનો પ્લાન છે. ઉલ્લેખનિય છે કે, બેઝડ એરોટ્રાન્સ કંપની દ્રારા હેલિકોપ્ટર રાઈડ શરૂ કરવામાં આવશે. હેલિકોપ્ટર સેવા શરૂ થયા બાદ અમદાવાદ થી માત્ર 40 મિનિટ માં સાળંગપુર મંદિર ખાતે પહોંચી શકાશે...
સાળંગપુર ધામનો ઇતિહાસ
શંખનાદ અને ઘંટનાદ સાથે ચારે દિશાઓમાં વેગથી પવન ફૂંકાયો. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરતાં કહ્યું કે, “હે દેવ! અહીં ભગવાન શ્રીસ્વામિનારાયણની નિશ્રા અને આપની શરણમાં જે મનુષ્યો પોતાનાં કોઈ પણ પ્રકારનાં દુઃખ, કષ્ટ, પીડા લઈને આવે તે તમામ આપનાં દર્શનથી દૂર થાય, તેમનું રક્ષણ થાય, તેઓ સુખ-સંપન્ન થાય તે માટે હે કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ આપ સદાય અહીં બિરાજો.”
‘શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની જય’નાં ગગનભેદી જયનાદ સાથે સાળંગપુરમાં હનુમાનદાદા બિરાજ્યા.ત્યારપછી સ્વામીશ્રીએ પોતાની પાસે જે યષ્ટિકા (ટેકા માટેની લાકડી) હતી તે આપીને કહ્યું કે જ્યારે કોઈ પણ પ્રકારથી ઉપદ્રવો દૂર ના થાય ત્યારે આ યષ્ટિકાથી સ્પર્શિત જળ છાંટવાથી તુરત જ ઉપદ્રવ શાંત થઈ જશે.ભગવાન સ્વામિનારાયણે સાળંગપુર ભૂમિને તીર્થત્વ બક્ષ્યું અને તેમનાં સંત ગોપાળાનંદ સ્વામીએ અહીં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી સાળંગપુરધામ બનાવ્યું.