Dead rat in Balaji wafers: આજકાલ જંકફૂડનું સેવન ખૂબ વધી ગયું છે. ઘણા પરિવારોમાં બાળકોને ઘરે બનાવેલ નાસ્તાને બદલે બજારમાંથી મળતા તૈયાર પેકેટવાળા ખોરાક આપવામાં આવે છે. આ સ્વાદિષ્ટ પેકેટ બાળકોને એટલા પ્રિય છે કે તેઓ તેને ખાવા માટે સતત જીદ કરે છે.


જોકે, આપણે બધા જાણીએ છીએ કે બજારમાં મળતા તૈયાર ખોરાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક અને જોખમી હોઈ શકે છે. છતાંયે, ઘણીવાર આપણે બાળકોને આ ખોરાક આપી દઈએ છીએ.


આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં, તાજેતરમાં જ બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો મળી આવ્યો છે.


જામનગરના એક ગ્રાહકે તાજેતરમાં જ બાલાજી વેફરના પેકેટમાં મૃત દેડકો મળી આવ્યાનો આરોપ લગાવીને ખળભળાટ મચાવ્યો છે.


જાસ્મી પટેલ નામની મહિલાએ જણાવ્યું કે તેમણે પોતાની ભત્રીજી માટે બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. ઘરે લાવીને ખોલ્યું ત્યારે તેમને પેકેટમાંથી મૃત દેડકો મળી આવ્યો.


આ ઘટનાથી ગભરાઈ ગયેલા જાસ્મીએ તાત્કાલિક દુકાનદારનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી. દુકાનદારે એજન્સી અને કંપનીના કસ્ટમર કેરનો સંપર્ક કર્યો, પરંતુ તેમને કોઈ યોગ્ય પ્રતિભાવ મળ્યો નહીં.






જામનગર ફૂડ સેફ્ટી ઓફિસર ડી.બી. પરમારે જણાવ્યું હતું કે, તેમને ટેલીફોનિક સૂચના મળી હતી અને ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. દેખાવ પરથી એવું લાગે છે કે દેડકો પેકેટમાં ફસાઈ ગયો હતો અને તેની સાથે જ વેફર પેક કરી દેવામાં આવ્યા હતા.


હાલમાં, ખાદ્ય વિભાગ દ્વારા આ બેચના વધુ પેકેટના નમૂના એકત્રિત કરીને તેની તપાસ કરવામાં આવી રહી છે.


આ ઘટનાને લઈને જામનગર મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા પણ નોંધ લેવામાં આવી છે અને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઘણા લોકોએ આ ઘટના પર ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આરોગ્ય સાથે ખેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


બાલાજી વેફરમાં મૃત દેડકો મળી આવ્યાની ઘટના બાદ કંપનીના મેનેજર જય સચદેવે ખુલાસો કરતા જણાવ્યું હતું કે તેમનો પ્લાન્ટ સંપૂર્ણપણે રોબોટિક મશીનોથી સજ્જ છે અને આ પ્રકારની ભૂલ થવી અશક્ય છે.


તેમણે એમ પણ કહ્યું કે દેડકો પ્લાન્ટમાં ક્યાંયથી આવી શકે તેમ નથી લાગતું.


જોકે, તેમણે સ્વીકાર્યું કે વેફરના પેકેટમાં દેડકો કેવી રીતે આવ્યો તે અંગે કંપની દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.