બનાસકાંઠાના ડીસાના ટીડીઓ દારૂના નશાની હાલતમાં ઝડપાયા છે. ડીસાના તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકીએ એક વિદ્યાર્થીને અપશબ્દો બોલતા આખો મામલો સામે આવ્યો છે. ટીડીઓ પોતાની ઓફિસમાં જ દારુની મહેફિલ માણી રહ્યા હતા. તે સમયે તેમને એક વિદ્યાર્થી સાથે બોલાચાલી થઇ અને ત્યારબાદ સોલંકીએ હોબાળો મચાવ્યો હતો. મામલો એટલો બિચક્યો કે, પોલીસ બોલાવવી પડી હતી. પીધેલી હાલતમાં જ ટીડીઓને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં ડીસાના તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી ફરજ પર ઓફીસમાં જ દારૂ પીધેલી હાલતમાં હોવાના આક્ષેપ થયા છે. TDO પોતાની ઓફીસમાં જ દારૂની મહેફિલ માણતા હોવાના આક્ષેપ પણ થયા છે. દારૂ પીધેલી હાલતમાં તાલુકા વિકાસ અધિકારીએ વિદ્યાર્થીઓ સાથે ગાળાગાળી કરી હોવાના આક્ષેપ થતા ડીસા પોલીસ તેમણે પોલીસ મથકે લઇ ગઈ હતી.
2 નવેમ્બરના રોજ સરકારી ઓફિસોનો છેલ્લો દિવસ છે, એટલે કે આજથી સરકારી ઓફિસોમાં દિવાળી વેકેશન પડી રહ્યું છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા વિવિધ ભરતીઓ બહાર પાડવામાં આવી છે એના અનુસંધાને કેટલાક વિદ્યાર્થીઓ આવકના દાખલા સહીતના પોતાના વિવિધ પ્રમાણપત્રો માટે તાલુકા વિકાસ અધિકારીની ઓફિસે પહોચ્યાં હતા. અહી ડીસા તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને તેમણે વિદ્યાર્થીઓને અપશબ્દો કહ્યાં હતા.
વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે ટીડીઓ બી.ડી.સોલંકી મદિરાપાન કરીને ઓફીસમાં બેઠા છે. આ સમગ્ર મામલે હોબાળો થયો હતો. ડીસા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને ટોળું વિખેર્યું હતું. તાલુકા વિકાસ અધિકારીને ઉત્તર પોલીસ મથકે લઇ જવામાં આવ્યાં હતા. આ ઘટનામાં આક્ષેપ પ્રતિઆક્ષેપ ચાલું છે અને પોલીસ તપાસ કરી રહી છે.
દિવાળી ટાણે જ મુંબઈથી ગાંધીનગર આવેલા પિતા-પુત્રને કોરોના આવતાં તંત્ર થયું દોડતું
દિવાળી ટાણે જ ગાંધીનગરમાં કોરોનાના કેસો આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. મુંબઈથી આવેલા સેક્ટર-રના પિતા-પુત્ર કોરોનાથી સંક્રમિત થયા છે. તાવ સહિતના લક્ષણો જણાતાં ટેસ્ટ કરાયાં હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને પોઝિટિવ દર્દી હોમઆઈસોલેશનમાં છે. તેમજ સંપર્કમાં આવેલા પાંચ સભ્યોને પણ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. બીજી તરફ 28 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,311 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 3,24,655 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3,ગાંધીનગર કોર્પોરેશન 2, જૂનાગઢ 2, નવસારી 2, કચ્છ 1 અને વલસાડ 1 કેસ નોંધાયો હતો. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 196 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 190 નાગરિકો સ્ટેબલ છે. 8,16,311 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. કોરોના સંક્રમણથી વલસાડમાં 1 મોત થયું છે. આજે 94,555 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.