અમદાવાદઃ કોરોના ટેસ્ટના ભાવમાં કરાયેલા ભાવ ઘટાડાની જાહેરાતના નિર્ણય અંગે ફેર વિચારણ કરવાની માગ ઉઠી છે. સરકારે કોરોના ટેસ્ટમાં ભાવ ઘટાડાની જાહેરાત કરી માત્ર 1500 રૂપિયામાં ટેસ્ટના આદેશ કર્યા છે. ત્યારે આ મુદ્દે ગુજરાત અસોસિએશન ઓફ પેથોલોજીસ્ટ એંડ માઈક્રોબાયોલોજીના પ્રમુખે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખી કોરોના ટેસ્ટના ભાવમાં ઘટાડાના નિર્ણય અંગે ફેર વિચારણા કરવા અપીલ કરી છે.


પેથોલોજીસ્ટ અસોસિએશનનું કહેવું છે કે કોરોનાના ટેસ્ટ બે રીતે થાય છે. એક RT-PCR અને બીજો TrueNAT ટેસ્ટ. TrueNAT ટેસ્ટ માટે કેમિકલ કીટ 2200 રૂપિયાની આવતી હોય છે. ત્યારે આ પ્રકારનો ટેસ્ટ માત્ર 1500 રૂપિયામાં કરવાનું પોસાય તેમ નથી. આ ટેસ્ટનો ફાયદો એ છે કે માત્ર એક કલાકમાં જ રિપોર્ટ મળી જતો હોય છે. જેથી કરીને ઈમરંજસી ઓપરેશન પહેલા તબીબો દર્દીઓને જ્યારે કોરોના રિપોર્ટ કરવાનું કહે છે. ત્યારે આ પ્રકારનો રિપોર્ટ ઝડપથી મળી જતો હોવાથી આ જ ટેસ્ટ સૂચવે છે.

અત્યારે આ પ્રકારનો રિપોર્ટ ઝડપથી થઈ જતો હોય છે અને દર્દીઓને સારવાર પણ ઝડપથી મળી જતી હોય છે. જો કે સરકાર ભાવ વધારવાની છૂટ નહીં આપે તો આગામી દિવસોમાં આ પ્રકારના ટેસ્ટ બંધ થઈ જશે. અત્યારે એક લેબોરેટરીમાં દરરોજ ૮૦ જેટલા આ પ્રકારના ટેસ્ટ થાય છે.