જૂનાગઢ: રાજ્યમાં કોરોના સંકટ વચ્ચે બર્ડ ફ્લૂએ ચિંતા વધારી છે. જો કે, હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂએ પગ પેસારો કરતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં મૃત્યુ પામેલા પક્ષીમાં બર્ડ ફ્લુ જોવા મળ્યો છે.

પક્ષીના સેમ્પલ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે મોકલવામા આવ્યા હતા. જાણકારી પ્રમાણે, બાંટવા માણવદરમાં મૃત્યુ પામેલા પક્ષીઓના સેમ્પલ મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ટેસ્ટિંગમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આપને જણાવી દઇએ કે, માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમ નજીક પક્ષીઓના મૃતદેહ મળી આવતા તંત્ર તાત્કાલિક અસરથી હરકતમાં આવી ગયું હતું.

રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશ સહિત કુલ 8 રાજ્યોમાં આ વાયરસને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વાયરસ પક્ષીઓ માટે ખૂબજ ખતનાક સાબિત થઇ રહ્યો છે.

બર્ડ ફ્લૂની શક્યતાને લઈને 4 પક્ષી અભ્યારણ્ય મુલાકાતીઓ માટે બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. જોકે બાદમાં આ સૂચના પરત ખેંચી લેવામાં આવી છે.

રાજ્યના વનવિભાગના અગ્ર મુખ્ય વનસંરક્ષકે જણાવ્યું કે નળસરોવર, થોળ, ખીજડીયા સહિતના વેટલેંડ્સ જ્યાં માઈગ્રેટરી યાયાવર પક્ષીઓ મોટા પ્રમાણમાં આવે છે. ત્યાં વનવિભાગના સ્ટાફને દેખરેખ રાખવાની સૂચના અપાઈ છે.

આ પ્રવાસન સ્થળના આસપાસના ગામોમાં પણ બર્ડ ફ્લુ અંગે સૂચના અપાઈ છે અને એક સાથે વધુ પ્રમાણમાં પક્ષીઓના મૃત્યુ જણાય તો તરત જ વનવિભાગના સ્ટાફને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે. થોળ, નળસરોવર કે અન્ય વેટલેંડના સ્થળે અગાઉ બહારના લોકોના પ્રવેશ અટકાવવાની સૂચના અપાઈ હતી. પરંતુ હાલ કોઈ ચિંતાનું કારણ ન હોવાથી તે સૂચના પાછી ખેંચી લેવાઈ છે.