ગાંધીનગર : તાપી પાર લિંક પ્રોજેક્ટને લઈને કોંગ્રેસે સરકાર સામે બાંયો ચડાવી છે. આજે કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યું અને બાદમાં આ મુદ્દે આદિવાસીઓએ કાઢેલી રેલીમાં જોડાયા. આદિવાસી સત્યાગ્રહ રેલીમાં જોડાયેલ કોંગ્રેસ નેતાઓએ ગુજરાત સરકારનો આક્રોશ સાથે વિરોધ કર્યો. આ રેલીમાં જોડાયેલ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહીતના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. 


શું કહ્યું જગદીશ ઠાકોરે?
આ તબક્કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર પર આકાર પ્રહાર કરતા કહ્યું કે ગાંધીનગર આવતા આદિવાસીઓને રોકો છો તો ગાંધીનગર છોડી દો. બસના માલિકોને પોલીસ સ્ટેશનમાં બેસાડીને ડરાવવામાં આવ્યા છે. 
અમે બસો સળગાવવાવાળા નથી, અમે નવલોહિયા યુવાનોની લસો પર રાજકારણ કરનારા નથી. ભાજપની સરકારને કહું છું, તમારી માએ સવાશેર સૂઠ ખાધી  હોય તો આવો. તેમણે કહ્યું કે પોલીસને કહું છું, તમારામાં કેટલાક ખાખી ચડ્ડીવાળા છે, 
એ ખાખી ચડ્ડીવાળાઓને અમે શોધી લઈશું.


સરકારના મનમાં પાપ અને દિલમાં ખોટ છેઃ રઘુ શર્મા 
આદિવાસી સત્યાગ્રહ રેલીમાંથી ગુજરાત કોંગ્રેસ પ્રભારી તેમજ રાજસ્થાન સરકારના મંત્રી રઘુશર્માની પણ અટકાયત કરવામાં આવી છે.  આ તબક્કે ગુજરાત સરકાર પર પ્રહારો કરતા તેમણે કહ્યું કે ગુજરાત સરકારના મનમાં પાપ અને દિલમાં ખોટ છે. પોતાના અધિકાર માટે આદિવાસીઓ ગાંધીનગર આવવું પડે તે ભાજપ માટે શરમની વાત છે. સરકારમાં રહેલા આદિવાસી નેતાઓના દિલમાં આદિવાસી માટે દર્દ નથી. આદિવાસીઓને પટ્ટાવાળાની નોકરી આપે છે.


તેમણે આક્ષેપ કર્યો કે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે જગડા કરાવવા કશ્મીર ફાઈલ ફિલ્મ આમણે જ બનાવી છે. ગાંધીનગરની ગાદી ફરી મેળવવા આ ફિલ્મના પોસ્ટર લગાવવામાં આવ્યા.રાજકીય રોટલો શેકવા હિન્દુ - મુસ્લિમને લડાવે છે. 


આ સાથે તેમણે એમ પણ કહ્યું કે આજની આ લડાઇમાં રાહુલ ગાંધી આવવા તૈયાર હતા.