Operation Angel: દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. આ બાળકીને 8 કલાકની મહેનત બાદ બચાવી લેવાઇ હતી. બાળકીને બોરવેલમાંથી સહી સલામત કાઢવામાં આવી હતી. બાળકીને બચાવવા એનડીઆરએફ,એસડીઆરએફ, આર્મીની ટીમ કામે લાગી હતી. બાળકીને બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું મોત થયું હતું.


બાળકી બોરવેલમાં અંદાજે 30 ફૂટ ઊંડે ફસાયેલી હતી, તેને બચાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ડિફેન્સ, NDRF અને SDRFની ટીમ પણ  બાળકીના બચાવ કાર્યમાં લાગી હતી. બાળકી જે બોરમાં ફસાઈ તેની પહોળાઈ માત્ર 8 ઈંચ છે. જ્યારે ઊંડાઈ લગભગ 30 ફૂટ જેટલી છે.


સ્થળ પર ધારાસભ્ય પબુભા માણેક, કલેક્ટર અશોક શર્મા, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય સહિત ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમો હાજર રહી હતી.એન્જલ 20થી 35 ફૂટ વચ્ચે ફસાઈ હતી. આર્મીના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી. દોરડા- પાઈપની મદદથી બાળકીને બહાર લવાઈ હતી. કલેક્ટરની પરવાનગીથી સાઈડમાંથી ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. બોરવેલની સાઈડથી 30 ફૂટ ઉંડું ખોદકામ શરૂ કરાયું હતું. એન્જલને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી. સ્થાનિકો પણ દ્વારકાધીશને એન્જલ હેમખમ પાછી ફરે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા. માસુમ બાળકી હેમખેમ બહાર આવે માટે ગુજરાતની જનતા દ્વારકાધીશને પ્રાર્થના કરી રહી હતી.


એસપીએ શું કહ્યું


નિતેશ પાંડે, એસપી દેવભૂમિ દ્વારકાએ કહ્યું "બપોરે 1 વાગ્યે, અમને માહિતી મળી કે કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં એક બાળકી બોરવેલમાં પડી છે.  સ્થાનિક વહીવટીતંત્રની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને ત્યારબાદ NDRFની ટીમ અને આર્મી. સંયુક્ત પ્રયાસોથી, છોકરીને 8 કલાક પછી બચાવી લેવામાં આવી છે. અમે છોકરીને ગ્રીન કોરિડોર દ્વારા હોસ્પિટલમાં મોકલી છે જે એમ્બ્યુલન્સની સરળ અને ઝડપી અવરજવર માટે બનાવવામાં આવી હતી.






બોરવેલ અકસ્માતને રોકવા માટે સુપ્રિમ કોર્ટની ગાઈડલાઇન જાણીએ તો બોરવેલની બનાવવાનો હોય ત્યારે તે સબંધિત કચેરીમાં નોંધણી કરાવવી જોઈએ. બોરવેલ ખોદવામાં આવી રહ્યો છે ત્યાં સાઈન બોર્ડ લગાવવું જરૂરી છે. સાઈન બોર્ડ પર ટ્યુબવેલ ખોદતી અથવા પુનઃસ્થાપિત કરતી એજન્સીનું સંપૂર્ણ સરનામું અને બોરવેલના માલિક અથવા તેનો ઉપયોગ કરતી એજન્સીની વિગતો હોવી જોઈએ. બોરવેલના બનાવ્યા બાદ તેના કેસીંગ પાઇપની આસપાસ સિમેન્ટ/કોંક્રીટનું પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. જ્યાં ઊંચાઈ 0.30 મીટર હોવી જોઈએ. પ્લેટફોર્મ જમીનમાં 0.30 મીટર ઊંડું બનાવવાનું રહેશે. કેસીંગ પાઈપના મુખ પર સ્ટીલ પ્લેટને વેલ્ડિંગ કરવી જોઈએ અથવા તેને નટ-બોલ્ટ વડે ફીટ કરવું. આ વ્યવસ્થાનો હેતુ બાળકોને ટ્યુબવેલના ખુલ્લા મોંને કારણે પડી જવાના જોખમથી બચાવવાનો છે.