અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના મતભેદ ફરી સામે આવ્યા છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભાજપ સરકારે દ્વારા ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવાતાં ગુજરાતમાં પણ ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાની માંગ ઉઠી છે. વડોદરામાં ‘લવ જિહાદ’ના 2 કિસ્સા બનતાં  ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવાની કાયદાની માગ ઉઠી ત્યારે રૂપાણી અને પાટિલે વિરોધાભાસી નિવેદન આપ્યાં છે. પાટીલે ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાની તરફેણ કરી છે જ્યારે રૂપાણીએ હાલમાં ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવવાની કોઈ વિચારણા નથી  એવો સ્પષ્ટ સંકેત આપતાં કહ્યું છે કે, ગુજરાતમાં સમય આવે જરૂરથી વિચારીશું.


કરમસદમાં કિસાન સંમેલન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, અન્ય રાજ્યોમાં ‘લવ જિહાદ’ વિરોધી કાયદો બનાવાનો વિષય ચર્ચાયો છે પણ ગુજરાતમાં સમય આવે જરૂરથી વિચારીશું. બીજી તરફ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, ‘લવ જિહાદ’ વિરોધી કાયદા સાથે હું બિલકુલ સંમત છું અને ગુજરાતમાં પણ ‘લવ જિહાદ’ વિરોધી કાયદો લાવવો જોઈએ.

તેમણે કહ્યું કે,  કોઈ જબરજસ્તીથી છોકરીને ભગાડવાનો પ્રયત્ન કરે તો કાયદાકીય પગલાં ભરવા જ જોઈએ. વડોદરા શહેરના સમા તળાવ પાસેની નૂતન વિદ્યાલય ખાતે રક્તતુલાના કાર્યક્રમ બાદ પત્રકારોને સંબોધતાં તેમણે કહ્યું કે, આ મુદ્દે  મુખ્યમંત્રીનો અભિપ્રાય મારાથી જુદો હોઈ શકે. તેઓ મુખ્યમંત્રી છે પરંતુ હું માનુ છું કે આવા કોઈ કિસ્સા સામે આવતા હોય અને આવશ્યકતા હશે તો જરૂર આવો કાયદો હોવો જોઈએે.