પાછોતરા વરસાદના કારણે મગફળી,સોયાબીન અને બાજરી સહિતના પાકને નુકશાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના, કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ, ગીરગઢડા સહિતના વિસ્તારમાં આફતરૂપી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે. ખેડૂતોના મતે મગફળીનો પાક તૈયાર થઈ ગયો હતો. પાકની લલણીના સમયે જ વરસાદના કારણે મગફળીના પાકને નુકસાન થયું છે. પાછોતરા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવી લીધો હતો. ન માત્ર મગફળી બલકે અડદ,મગ,સોયાબીન સહિતના પાકને નુકસાન થયું છે.
ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોના ઉના, કોડીનાર, સુત્રાપાડા, વેરાવલ કે પછી ગીર ગઢડા તમામ વિસ્તારોના ખેડુતોને હાલ રાતા પાણી એ રોવાનો વારો આવ્યો છે. ગીર પંથક માં સતત વરસાદ ખાબકી રહ્યો છે અલગ અલગ દિવસો એ અલગ અલગ વિસ્તારો મા વરસાદ અને વરસાદી ઝાપટા પડી રહ્યા છે જેને કારણે ખેડૂતો ના પાક તહસ નહસ થઈ રહયા છે.
કોડીનાર ના મિતિયાજ ગામના ખેડૂત વિજય ભાઈ અને અરસીભાઈ જેમને 8 વિઘા જમીન છે અને 3 વિઘા મગફળી નો પાક છે આ ખેડૂત પાક લણી રહયા હતા ત્યાંજ વરસાદે એન્ટ્રી કરી અને આ ખેડૂત ના મોમાં આવેલો કોળિયો આચકી લીધો હતો.
ખેડુત મહિલા લાભુબેન જે ખેતી પર નિર્ભર છે એમનું કહેવું છે કે 4 પાંચ મહિના પહેલા અમારે અડદ અને મગ નું વાવેતર હતું સારો એવો પાક હતો પરંતુ જ્યારે તે લણવા માટે ત્યાર થયો તે જ સમયે તોકતે ત્રાટક્યું અને અમારો બધોજ પાક અને પશુનો ચારો નાશ પામ્યો છે. અમે હિંમત કરી જેમતેમ મગફળી નું વાવેતર કર્યું એ આશા એ કે દિવાળીની સિઝન સારી જશે તો બેઠા થઈ જશું પણ અમારી સાથે આ સિઝનમાં પણ કુદરત કોપાયમાન થયો અને મગફળી લનતા સમયે જ વરસાદ ત્રાટક્યો અને બધુજ તહસ નહસ થયું છે.
ગીર સોમનાથ જીલ્લામાં એક લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થાય છે જેમાં મોટા ભાગનો પાક તબાહ થયો છે બીજી તરફ સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતો ને રાહત મળશે કે કેમ તે ફોડ પડાયો નથી.