અમદાવાદઃ ગુજરાત ભાજપનો અસંતોષ  ફરી એક વાર સપાટી પર આવ્યો છે. લાંબા સમયથી ગાંધીનગરમાં નહીં દેખાતા રાજ્ય કક્ષાના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરષોત્તમ ફરી સક્રિય બન્યાં છે અને કોળી સમાજની બેઠક બોલાવતાં ગુજરાતના રાજકારણમાં ગરમી વ્યાપી છે.

ગાંધીનગરમાં પુરષોતમ સોલંકીના વડપણ હેઠળ કોળી સમાજના નેતાઓની બેઠક બોલાવાઈ હતી.  આ બેઠક કોળી સમાજના પ્રશ્નોની ચર્ચા માટે મળી હોવાનુ કારણ દર્શાવાયુ હતું પણ અંદરખાને એવી વાત છે કે, રૂપાણી મંત્રીમંડળનુ વિસ્તરણ થાય ત્યારે પુરષોત્તમ સોલંકીની બાદબાકી થાય  સંજોગોમાં તેમના ભાઇ હીરા સોલંકીને મંત્રીપદ મળે તે માટે અત્યારથી રાજકીય આયોજન ઘડવામાં આવી રહ્યુ છે.

છેલ્લા કેટલાંય વખતથી બિમારીને કારણે મંત્રી પુરષોત્તમ સોલંકી સચિવાલયમાં જ આવતાં જ નથી. આ કારણે મંત્રીમંડળમાંથી બાદબાકી થવાની અફવાને કારણે ઘણાં લાંબા સમય બાદ પુરષોત્તમ સોલંકી  હવે ભાઇ હીરાભાઆ સોલંકીને ગોઠવવા  મેદાને ઉતર્યા છે.   આ અગાઉ કોળી નેતાઓએ હિરાભાઈ સોલંકીને ભાજપ પ્રદેશ  પ્રમુખ બનાવવા પણ માંગ કરી હતી. કોળી નેતાઓએ થોડાક સમય પહેલાં પોતાના સમાજના આગેવાનોને બોર્ડ નિગમના ચેરમેન બનાવવા પણ માંગણી કરી હતી.