ગાંધીનગરઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાએ શનિવારે પોતાની ટીમની જાહેરાત કરી હતી. નડ્ડાની નવી ટીમમાં ગુજરાતમાંથી ભાવનગરનાં સાંસદ ડો. ભારતી શિયાળને ઉપપ્રમુખ બનાવાયાં છે.
ભાજપના રાષ્ટ્રીય માળખામાં 12 ઉપપ્રમુખ નિમાયા છે. આ પૈકી ગુજરાતમાંથી મહિલા સાંસદ ડો. શિયાળની પસંદગી થઈ છે. કોળી સમાજમાંથી આવતાં ડો. ભારતીબેન શિયાળ અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય રહી ચૂક્યા છે. સાંસદ તરીકે તેમની આ બીજી ટર્મ છે.
રાષ્ટ્રીય સંગઠનમાં ભાવનગરના સાંસદની નિમણૂંકથી સૌરાષ્ટ્રનું વજન વધ્યું છે. રાષ્ટ્રીય સ્તરે સૌરાષ્ટ્રમાંથી બે કેન્દ્રીય મંત્રીઓ છે. આ પૈકી મનસુખ માંડવીયા ભાવનગરના છે જ્યારે પરસોત્તમ રૂપાલા અમરેલીના છે. રાજ્ય સરકારમાં પણ રાજ્યમંત્રી રહેલા વિભાવરી દવે પણ ભાવનગરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. રાજ્ય સરકારમાં પણ સૌરાષ્ટ્રમાંથી કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરતા કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકી એમ બે મંત્રીઓ છે.