ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં શિક્ષકોની ભરતીની પ્રક્રિયા શરૂ છે ત્યારે ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની વિદ્યાસહાયક ભરતીમાં જિલ્લા પસંદગી પ્રક્રિયા રદ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. ગાંધીનગર દ્વારા વિદ્યાસહાયક ભરતી ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમની વર્ષ 2024ની ભરતી અન્વયે ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા મુદ્દે નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ક્યાં કારણોસર લેવાયો આ નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધતિથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર 'રિઝલ્ટ' શબ્દ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતાં ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવેસરથી જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાસહાયક ભરતી (ધોરણ 1થી 5 ગુજરાતી માધ્યમ) વર્ષ 2024ની ભરતી અન્વયે ધોરણ 1થી 5ના ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા તારીખ 22-05-2025થી શરુ કરવામાં આવેલ છે. સદર જિલ્લા પસંદગીની પ્રક્રિયા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાર્ષિક પરીક્ષા પદ્ધિતીથી સ્નાતક થયેલા ઉમેદવારોની માર્કશીટમાં છેલ્લા ખાનામાં માત્ર રિઝલ્ટ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવેલ હોવાના કારણે પ્રથમ વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષની માર્કશીટના કુલ ગુણ અને મેળવેલ ગુણનો સરવાળો કરી ટકાવારી કાઢતા ઉમેદવારોના મેરીટમાં ફેરફાર થતા ઉમેદવારોમાં અસંતોષ થવાની શક્યતા હોવાથી કોઈ ઉમેદવારને અન્યાય ન થાય તે હેતુથી તારીખ 22-05-2025થી 31-05-2025 સુધી કરવામાં આવેલ જિલ્લા પસંદગીની પ્રક્રિયા રદ કરવાનો તેમજ વિદ્યાસહાયક ભરતીની પસંદગી પ્રક્રિયાના નિયમો 20-01-2017ના જાહેરનામાના ફકરા 8()2 (1) મુજબ સ્નાતકની ત્રીજા વર્ષની માર્કશીટમાં દર્શાવેલ કુલ ગુણના આધારે જ મેરીટ ગણતરીમાં લઈ નવેસરથી જિલ્લા પસંદગી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે નવેસરથી જિલ્લા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવાનો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ નિર્ણય કર્યો છે. હવે આ ભરતીમાં નવેસરથી જિલ્લા પસંદગી અંગેનું સમયપત્રક ટૂંક સમયમાં વિદ્યાસહાયક ભરતી અંગેની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.