Ambaji Temple: દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવા વર્ષ પર યાત્રાધામ અંબાજી અને પાવાગઢ મંદિરમાં દર્શન કરવા જતા હોય છે ત્યારે પાવાગઢ અને અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.




યાત્રાધામ અંબાજી મંદિરમાં બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે.  બેસતા વર્ષથી લાભ પાંચમ સુધી સવારે 6થી સાડા છ વાગ્યા સુધી આરતી થશે. ત્યારબાદ પોણા અગિયાર વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તો બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. રાજભોગ ધરાયા બાદ બપોરે સાડા 12 વાગ્યાથી સાંજે સવા ચાર વાગ્યા સુધી ભક્તો માતાજીના દર્શન કરી શકશે. જે બાદ સાંજે સાડા વાગ્યાથી સાત વાગ્યા સુધી મા અંબાની આરતી ઉતારાશે અને બાદમાં 10 વાગ્યા સુધી ભક્તો માના દર્શન કરી શકશે. તો બેસતા વર્ષનાં દિવસે માતાજીને અન્નકૂટ પણ ધરાવવામાં આવશે.




તો દિવાળી નિમિત્તે યાત્રાધામ પાવાગઢમાં પણ દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. કાળી ચૌદશથી ભાઈબીજ એમ પાંચ દિવસ સુધી મંદિર સવારે પાંચ વાગ્યે ખોલવામાં આવશે અને સાંજે સાડા સાત વાગ્યે મંદિર બંધ કરાશે. તહેવારોના દીવસોમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થતો હોય છે ત્યારે દિવાળીને લઇને  પાવાગઢ મંદિર ખાતે દર્શન કરવા ભારે ભીડ ઉમટી પડવાની શકતાથી ટ્રસ્ટ દ્ધારા  માતાજીના મંદીર રોજ સવારે 6 વાગે ખુલતું હતું. તેના બદલે વહેલી સવારે 5 કલાકે મંદિર ખુલવાનો નિર્ણય લીધો છે.                                                                           


બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં ફરી એકવાર પ્રસાદનો વિવાદ ઉભો થયો છે. બ્લેકલિસ્ટ કંપની મોહિની કેટરસના બોક્સમાં મોહનથાળ પ્રસાદનું વિતરણ કરાતા NSUIના ગુજરાત મહામંત્રીએ મંદિરના વહીવટદાર પર સવાલ ઉઠાવ્યા હતા. જો કે વહીવટદારે દાવો કર્યો હતો કે ભલે બોક્સ મોહિની કેટરર્સના હોય પરંતુ પ્રસાદ ગુણવત્તાયુક્ત છે. મોહિની કેટરર્સના વધેલા બોક્સનો ઉપયોગ પૂર્ણ થયા બાદ નવા બોક્સમાં પ્રસાદ આપવામાં આવશે.