બનાસકાંઠાઃ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યમાં બોગસ દર્દીઓ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં અંદાજે ૨૫ કરતાં વધુ બોગસ તબીબી ઉપર તવાઈ બોલાવાઈ છે. ત્યારે બોગસ તબીબના વ્હારે દિયોદર કોંગ્રેસના ધારાસભ્ય અને લાખણી તાલુકા પૂર્વ પ્રમુખ તેમની વ્હારે આવ્યા છે. જેમણે બોગસ તબીબ પર કાર્યવાઈ ના કરવા રજુઆત કરી છે.


ડોક્ટરો પર આડેધડ કેસ કરવા યોગ્ય નથી


કોરોના મહામારીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ડોક્ટરોની ચાલતી હાટડીઓને બંધ કરાવી જિલ્લા પ્રશાસને આવા ડોક્ટરો વિરોધ પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દિયોદરના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ પ્રેકટીશનર વિરોધ કાર્યવાહી ના કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોરોના મહામારી વચ્ચે પ્રેક્ટિસ કરતાં પેકટીસનરોએ ગામડાઓમાં ઘરે ઘરે જઈને લોકોની સેવા કરી હતી. ત્યારે બધી જગ્યાએ સર્વે કરાવી ડોક્ટર પર કાર્યવાહી કરવી, આડેધડ કેસ કરવા યોગ્ય નથી.  


બોગસ ડોક્ટરો તબીબો ગામડાંઓ માટે આશીર્વાદરૂપ


બીજી તરફ કોંગ્રેસના લાખણી તાલુકાના પૂર્વ પ્રમુખ મહેશ દવે દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી ના કરવા ભલામણ કરવામાં આવી છે. મહેશ દવે બોગસ તબીબોને ગામડાંઓ માટે આશીર્વાદરૂપ ગણાવ્યા હતા. ગામડાઓ અને ખેતરોમાં રહેતા લોકોને આવા તબીબે પ્રાથમિક સારવાર આપી અનેક લોકોના જીવ બચાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં એક હજારથી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 644 કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 10   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9965 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1675 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.11  ટકા છે.  રાજ્યમાં અત્યાર સુધી 7,94,703 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 13683 પર પહોંચ્યો છે. જેમાંથી 346 દર્દી વેન્ટિલેટર પર અને 13337 લોકો સ્ટેબલ છે.