ગીર સોમનાથ: વેરાવળમાં નામાંકિત તબીબે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. હવે આ આત્મહત્યા પ્રકરણમાં નવો ઘટસ્ફોટ થયો છે. રાજકીય આગેવાનના કારણે ડોક્ટરે આત્મહત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડૉ. અતુલભાઈ ચગે લખેલી સુસાઈડ નોટમાં મોટા ગજાના રાજકીય આગેવાન અને તેના પિતાના નામનો ઉલ્લેખ છે. પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે લઈ તપાસ હાથ ધરી છે. શહેરના નામાંકિત તબીબની આત્મહત્યામાં રાજકીય આગેવાનનું નામ સામે આવતા રાજકારણ ગરમાયું છે. હાલ શહેરભરમાં રાજકીય આગેવાનના નામ સાથેની સ્યુસાઇડ નોટ વાયરલ થઈ હોવાની ચર્ચા છે. જો કે, આ અંગે પોલીસ તરફથી કોઈ આધિકારીક નિવેદન હાલ સુધી આપવામાં આવ્યું નથી.
નોંધનીય છે કે, વેરાવળના પ્રતિષ્ઠિત તબીબે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. ડો.અતુલ ચગ શહેરના નામાંકિત તબીબ હોવાની સાથે સાથે સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે. તબીબે હોસ્પીટલની ઉપરના માળે આવેલ મકાનમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં હોસ્પીટલે રાજકીય અને સામાજીક આગેવાનો અને તબીબો દોડી આવ્યા હતા. પોલીસ અધિકારીઓ પણ સ્ટાફ સાથે સ્થળ ઉપર પહોંચી તપાસનો ઘમધમાટ હાથ ધર્યો હતો. તબીબના ગળાફાંસો ખાવા પાછળ શહેરભરમાં ચોંકાવનારી ચર્ચાઓ શરૂ થઈ હતી. જોકે આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે.
જેતપુરમાં કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો
રાજકોટ: જિલ્લાના જેતપુરમાં કેનાલમાંથી પ્રોઢનો મૃતદેહ મળી આવ્યો છે. જેતપુર ધોરાજી રોડ ઉપર આવેલ કેનાલમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. ધોરાજી રોડ ઉપર આવેલ કેનાલમાં મૃતદેહ કરી રહ્યો હતો જેના જાણ નજીકના કારખાનામા કામ કરતા મજૂરોને થતા તેઓએ દોરડાથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. જે બાદ પોલીસે ઘટના સ્થળ પહોંચી મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. અજાણ્યા પ્રોઢના મૃતદેહના વાલી વારસની પોલીસે તપાસ શરૂ કરી છે. એક સપ્તાહમા જેતપુર કેનાલમા બીજી લાશ મળી આવી છે. આ વ્યક્તિની હત્યા થઈ છે કે આત્મહત્યા કરી છે તેને લઈને રહસ્ય ઘેરાયું છે. પોલીસ તપાસ બાદ જ સત્ય બહાર આવશે.
ભાવનગરમાં સગા દીકરાએ કુહાડી ઘા ઝીંકી પિતાની હત્યા કરતા ચકચાર
મહુવા તાલુકાના નીચા કોટડા ગામે નરાધમ પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે પિતાની હત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘર કંકાસના કારણે પુત્રએ આવેશમાં આવી કુહાડીના ઘા મારીને પિતાની હત્યા કરી નાખી છે. ઘનશ્યામ નામના પુત્રએ તેના જ પિતા દિનેશભાઈની કરપીણ હત્યા કરી નાખતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ મૃતદેહને પી.એમ અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર હત્યાના બનાવને લઇ દાઠા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ખુદ માતા એજ 7 વર્ષના માસૂમ બાળકને આપ્યાં ડામ
મહીસાગરના લુણાવાડામાં સાત વર્ષના માસુમ બાળકને ગરમ ચીપિયા વડે ડામ આપવાની ઘટનામાં માતા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આરોપી સાવકી માતા વિરૂદ્ધ તેના પતિએ જ ફરિયાદ નોંધાવી છે.
બાળક ઘરમાં તોફાન કરતુ હોવાથી સાવકી માતાએ ગુસ્સામાં આવી બાળકને ચીપિયા વડે ડામ આપ્યો હતો. આરોપી મહિલા લુણાવાડા શહેરમાં મધવાસ દરવાજા વિસ્તારમાં બાળકો સાથે એકલી રહેતી હતી.બાળક શાળાએ જતા શિક્ષકોએ ડામ જોતા સમગ્ર વિગત આવી હતી બહાર આવી હતી. મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તેમજ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનામાં આરોપી પત્ની સામે પતિ એજ ફરિયાદ કરી છે.