અમદાવાદ: ગુજરાતમાં અલગ-અલગ માંગને લઈ તબીબો હડતાળ પર ઉતરવાના છે. આવતીકાલે એટલે કે સોમવારથી રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ ડોક્ટર્સની હડતાળના પગલે ખોરવાઈ જશે. ગુજરાત સરકાર ડૉકટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. લગભગ 10 હજાર જેટલા તબીબો આ હડતાળમાં જોડાવાના છે. જેના કારણે સરકારી હોસ્પિટલ્સમાં તમામ પ્રકારની સર્જરીઓ પણ અટકી જશે.
રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઇમરજન્સી સહિતની સેવાઓ ખોરવાશે. પડતર માંગણીઓ મુદ્દે લડત 2012થી ચાલુ છે. બી જે મેડિકલ ખાતે ડોકટરોની પડતર માંગણીઓને લઈને હડતાળ. ગુજરાત ના 10000 સરકારી ડોકટરો સોમવારથી હડતાળ પર ઉતરશે. બી . જે. મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો સવારે 10.00 વાગ્યા પછી BJMC PORCH માં એકત્ર થશે.
હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યું હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. 31 માર્ચ જતી રહી છે છતાં અમારી માંગના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ, અમારી માંગ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માંગ નહીં સંતોષતા ડૉકટર્સે હડતાળની જાહેરાત કરી છે.
GMT દ્વારા એવુ પણ જણાવવામાં આવ્યુ કે આવતીકાલથી પાંચ કેડર પાંચ એસોસિએશન હડતાળ પર જશે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન , GMERS ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત ઈનસર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિએશન, ESIS ડૉક્ટર્સ એસોસિએશનના ડૉકટર પણ કાલથી અચોકક્સ મુદતની હડતાળ પર ઉતરશે. તેમણે જણાવ્યુ કે 10 હજાર ડૉકટર, છ સરકારી મેડિકલ કોલેજના ડૉકટર્સથી લઈ પીએચસીના ડૉકટર્સ હડતાળમાં જોડાશે.