Gandhinagar: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 18 માર્ચ, 2023ના રોજ ગાંધીનગરમાં યોજાયેલી 49મી ડેરી ઇન્ડસ્ટ્રી કૉન્ફરન્સ દરમિયાન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (એનડીડીબી)ના ચેરમેન મીનેશ શાહને 14મો ડૉ. કુરિયન એવોર્ડ એનાયત કર્યો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સરકારના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભારત સરકારના પશુપાલન અને ડેરીઉદ્યોગ વિભાગના સચિવ રાજેશકુમાર સિંહ, જીસીએમએમએફ લિ.ના ચેરમેન શામળભાઈ પટેલ, ઇન્ડિયન ડેરી એસોસિયેશનના અધ્યક્ષ ડૉ. આર. એસ. સોઢી, ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન (આઇડીએફ)ના અધ્યક્ષ પીયરક્રિસ્ટિયાનો બ્રેઝાલે તથા આઇડીએફના ડિરેક્ટર જનરલ કેરોલિન એમોન્ડ હાજર રહ્યાં હતાં.
ઇન્ડિયન ડેરી એસોસિયેશન દ્વારા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના નામ પરથી સ્થાપવામાં આવેલો આ પુરસ્કાર મીનેશ શાહને એનાયત કરવામાં આવ્યો છે, જે ભારતીય ડેરી ઉદ્યોગના વિકાસ અને વૃદ્ધિમાં તેમણે આપેલા ઉત્કૃષ્ટ યોગદાનનો પુરાવો છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કારમાં એક સ્મૃતિચિહ્ન, એક પ્રશસ્તિપત્ર અને રૂ. 2 લાખના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે.
આ ક્ષેત્રમાં વર્ષો સુધી ઉત્તમ સેવા આપ્યાં બાદ આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરવા અંગે મીનેશ શાહે જણાવ્યું હતું કે, ‘જેની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું છે, તે આઇડીએફ તરફથી ડૉ. કુરિયન એવોર્ડ પ્રાપ્ત કરીને હું ખરેખર સન્માનિત થયાંની લાગણી અનુભવી રહ્યો છું. મારા માર્ગદર્શકના નામે જે પુરસ્કારની સ્થાપના થઈ હોય, તે જ પુરસ્કાર પ્રાપ્ત કરવો એ ખરેખર એક વિશિષ્ટ લાગણી જન્માવે છે અને તે મને એક ઊંડી સંતુષ્ટી આપે છે કે, હું વર્તમાન સંદર્ભમાં ડૉ. કુરિયનના વિઝનને આગળ વધારી શક્યો છું. આથી વિશેષ, આ પુરસ્કારને અમિત શાહજીના હસ્તે પ્રાપ્ત કરવો એ ખરેખર પ્રેરણાદાયી છે, કારણ કે, તેમના જ માર્ગદર્શન હેઠળ સહકારીમંડળીઓ મારફતે ડેરી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવા અનેકવિધ નવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે.
આ ઉપરાંત, હું લાખો પશુપાલકો, એનડીડીબી ખાતેના મારા સહકર્મચારીઓ, તેની આનુષંગિકો અને સહકારી ક્ષેત્રમાં રહેલા તમામ વ્યાવસાયિકોનો તેમના નિરંતર સમર્થન બદલ આભાર માનું છું. અને મારા પરિવારને તો કેમ ભૂલી શકાય, જેમણે મારા કામના વિચિત્ર કલાકોને કારણે ઘણું વેઠવું પડ્યું છે.
એનડીડીબીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મીનેશ શાહ એનડીડીબીમાં 37 વર્ષથી પણ વધારે સમયની શાનદાર અને બહુમુખી કારકિર્દી ધરાવે છે. તેઓ હંમેશા નવીનીકરણોના હિમાયતી રહ્યાં છે અને તેઓ ડેરી અને તેના સંલગ્ન ક્ષેત્રોમાં કાર્યક્ષમતા, અસરકારકતા, સ્થિરતા લાવવા અને સૌથી મહત્ત્વનું, નાના અને સીમાંત પશુપાલકોની આવકને વધારવા અનેકવિધ હસ્તક્ષેપોની પરિકલ્પના કરવામાં, તેનું આયોજન અને અમલીકરણ કરવામાં કાર્યસાધક રહ્યાં છે.