Morbi: રાજ્યમાં હાર્ટ એટેકથી રોજેરોજ લોકો મોતને ભેટી રહ્યા છે. કોઈ વોકીંગ કરતી વખતે તો કોઈ ક્રિકેટ રમતી વખતે મોતને ભેટ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. આજે એક વ્યક્તિું ઉંઘમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું છે. મોરબી ખાતે ટ્રકની કેબિનમાં નિંદ્રાધીન ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા મોત ભેટ્યો હતો. મોરબીના લક્ષમીનગર ઓવરબ્રિજ નજીક આ ઘટના બની છે.


રાજસ્થાનના વતની ચુનારામ સોનારામ ચૌધરી (ઉ.45)નું  હાર્ટ એટેકના કારણે મોત થયું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગત તારિખ ૧૯ના રોજ લક્ષમીનગર ગામ નજીક ઓવરબ્રિજ પાસે ગેરેજમાં ટ્રક રીપેરીંગ માટે તેઓ અહીં આવ્યા હતા. રાત્રીના ગેરેજના પાર્કિંગમાં જ પોતાનો ટ્રક રાખી તેમાં સુઈ ગયા હતા. સવારના સુમારે આસપાસના લોકો દ્વારા ટ્રક ડ્રાઈવરને ઉઠાડવામાં આવતા તેઓ ઉઠ્યા ન હતા.જે બાદ તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પીટલમાં હાજર ડોકટરે ચુનારામને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


ગુજરાતમાં હાર્ટ એેટેકને લઈને યુવાન વયના લોકોના મોત થઈ રહ્યાં છે ત્યારે કચ્છમાં એક વિદ્યાર્થીનું હાર્ટએટેકના કારણે મોત થયું છે. ભુજના સેડાતામાં ચાલુ પરીક્ષાએ ધોરણ 10નાં વિધાર્થીનું હાર્ટએટેકના કારણે મોત થયું હતું. મૃતક વિદ્યાર્થીનું નામ દક્ષરાજ સિંહ ઝાલા (ઉ.વ.17) છે. વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત નિપજતા સમગ્ર સ્કૂલ અને પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.


થોડા દિવસ પહેલા જ રાજકોટમાં પણ ધોરણ 10ના છાત્રનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. હૈદરાબાદમાં ગુરુકુળમાં અભ્યાસ કરતો સગીર દિવાળીનું વેકેશન કરવા ઘરે આવ્યો હતો પિતાના બાઈક પાછળ બેસી હેર કટિંગ કરવી ઘરે જતી વખતે ચાલું બાઈકે એટેક આવતા નીચે પટકાયો હતો એકના એક પુત્રના મોતથી પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા મેઇન રોડ ઉપર શ્યામ હોલ પાસે આવેલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા પૂજન અમિતભાઈ ઠુંમર નામનો 15 વર્ષનો સગીર તેના પિતા અમિતભાઈ ઠુંમરના બાઈક પાછળ બેસી મવડી મેઇન રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલુ બાઈકે પૂજન ઠુંમર નીચે પટકાયો હતો પુજન ઠુંમરને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે પૂજન ઠુંમરનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.


થોડા મહિના પહેલા વડોદરાની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતો દીપ ચૌધરી નામનો વિદ્યાર્થી બોઇસ હોસ્ટેલમાં મિત્રો સાતે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યુ પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. આ પહેલા ગાંધીનગર ખાતે અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હતું. નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી (ઉં.વ 21) ગાંધીનગર ખાતે આઈટી ફિલ્ડમાં અભ્યાસ કરતો હતો. ગત 9 ઓગસ્ટે ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા આયુષ ગાંધીનું દુઃખદ અવસાન થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવારમાં આઘાતમાં મુકાઈ ગયો હતો.