Drugs: પોરબંદરના મધદરિયેથી ભારતીય નૌકાદળ, NCB અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને માદક દ્રવ્યોનો મોટો જથ્થો ઝડપ્યો હતો. 3300 કિલો ડ્રગ્સ સાથે પાંચની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત બે હજાર કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. કરોડોના હશીસ સાથે અન્ય ડ્રગ્સનો જથ્થો પણ ઝડપાયો છે. ગુજરાત ATS, ભારતીય કોસ્ટગાર્ડ અને NCB નું સંયુક્ત ઓપરેશન હતું. રાજ્યના દરિયા કિનારામાંથી બોટ સાથે પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.






આ મામલે એનસીબીએ કહ્યું હતુ કે ડ્રગ્સ સાથેની એક બોટ આવતી હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે ઓપરેશન સાગર મંથન શરૂ કર્યુ હતું. 27 ડિસેમ્બરની વહેલી સવારે જહાજને રોકવામાં આવ્યું હતું. પાંચ વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે. ડ્રગ્સમાં પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા છે. ઈરાનના ચબાહાર પોર્ટથી ડ્રગ્સ આવવાની આશંકા છે. આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ જપ્ત કરાયા છે. પેકેટ પર 'રાસ અવાદ ફુડ કંપની, મેડ ઇન પાકિસ્તાન 'નું લખાણ હતું. પાંચથી સાત લાખનું હાઈક્વોલિટી ચરસ છે. વધુ તપાસમાં ડ્રગ્સની કિંમત બે હજાર કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે.






મળતી જાણકારી અનુસાર, આ બોટ બે દિવસ સુધી દરિયામાં હતી. આ પછી ભારતીય નૌકાદળે શંકાસ્પદ બોટ જ્યારે ભારતીય જળસીમામાં પ્રવેશી ત્યારે તેને અટકાવી અને તપાસ કરી હતી.  તપાસ દરમિયાન જહાજમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. અટકાયત કરાયેલા પાંચ આરોપીઓ પાકિસ્તાની હોવાની આશંકા છે, જેમને ગુજરાતના પોરબંદર લઈ જવામાં આવ્યા છે.


ભારતીય સુરક્ષા એજન્સીઓ પકડાયેલા આરોપીઓ પાસેથી ડ્રગ્સ અને તેમના વિશેની માહિતી એકત્ર કરી રહી છે. જપ્ત કરાયેલી ડ્રગ્સ પર ‘મેડ ઇન પાકિસ્તાન' લખેલું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 2950 કિલો હશિશ, 160 કિલો મેથમફેટામાઇન, 25 કિલો મોર્ફિનનો સમાવેશ થાય છે.


ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ સ્મગલરો માટે સોફ્ટ લેન્ડિંગ પોઈન્ટ છે અને છેલ્લા એક વર્ષમાં 6500 કરોડનું ડ્રગ્સ અને હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. અગાઉ દક્ષિણ ગુજરાતના કચ્છ, જામનગર, દ્વારકા જિલ્લો અને મુન્દ્રા બંદરેથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ત્યારે વેરાવળ બંદરનો ઉપયોગ પ્રથમ વખત ડ્રગ્સની દાણચોરી માટે થતો હોવાનું જણાય છે.


વેરાવળમાંથી પણ ઝડપાયું 350 કરોડ રૂપિયાનું હેરોઇન


પાંચ દિવસ પહેલા વેરાવળ બંદરેથી ફિશિંગ બોટમાંથી 350 કરોડ રૂપિયાનું હેરોઈન ઝડપાયું હતું. આ સાથે 9 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ એટીએસ, ગીર સોમનાથ એસઓજી, એલસીબી, એફએસએલ અને મરીન પોલીસ કેસની તપાસ કરી રહી છે.


થોડા દિવસો પહેલા જ ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી 350 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી ધર્મેન્દ્ર કશ્યપની પૂછપરછમાં મોટો ખુલાસો થયો હતો.  આ ડ્રગ્સનો જથ્થો ઓમાન બંદરેથી ચડાવવામાં આવ્યો હતો. યારબાબ નામના માફિયાએ ડ્રગ્સનો જથ્થો રવાના કર્યો હતો.  ગીર સોમનાથમાં ઝડપાયેલો ડ્રગ્સનો જથ્થો રાજકોટમાં ઘૂસાડવાનો હોવાનો ખુલાસો થયો છે. ઈરાનથી મૂર્તઝા નામના શખ્સે ડ્રગ્સ ઓમાન મોકલ્યું અને ત્યાંથી રાજકોટ મોકલવાનું હોવાનો ખુલાસો થયો છે.


વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ ૩૫૦ કરોડ રૂપિયાના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો જપ્ત કરાયો હતો.


સપ્ટેમ્બર 2021માં મુન્દ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો ડ્રગ્સ જપ્ત કરાયું હતું


નોંધનીય છે કે મુન્દ્રા પોર્ટ પરથી DRIએ સપ્ટેમ્બર 2021માં 3 હજાર કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 21 હજાર કરોડ રૂપિયાથી વધુ છે. વર્ષ 2021ના સપ્ટેમ્બર મહિનામાં મુદ્રા પોર્ટ પર DRI દ્વારા 3000 કિલો ડ્રગ્ઝથી ભરેલું ટેન્કર ઝડપી લેવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનથી ટેલકમ પાઉડરની આડમાં ડ્રગ્સ મુન્દ્રા પોર્ટ પર લાવવામાં આવ્યું હતું. વિજયવાડાની આશી ટ્રેડીંગ કંપની દ્વારા આ ડ્રગ્સ લવાયું હતું. આ કેસની તપાસ એનઆઇએ દ્ધારા કરવામાં આવી રહી છે.