અમરેલીઃ ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા છેલ્લા ત્રણ દિવસથી મહેરબાન થયા છે. જેના કારણે આજે બે નદીમાં પુર આવ્યું હતું. ખાંભાની રાયડી અને ડેડાણની અશોકા નદીમાં પુર આવતાં લોકો નદી કાંઠે ઉમટી પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


ખાંભાના જંગલમાં પણ ધોધમાર વરસાદથી નદી, નેરાઓમાં પાણી વહેતા થયા હતા. પીપળવા, ગીર, શનિરનેસ, ભાણીયા સહિત ગીરના નેસડાઓ વરસાદથી પાણી પાણી થઈ ગયા છે. જેના કારણે માલધારીઓ પણ ગેલમાં આવી ગયા છે. ગઈકાલે અમરેલીના સરંભડા, તરવડા, બાબાપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાજુલા શહેર અને ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે કાતર ગામ નજીક આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો હતો.

અમરેલીના ખાંભા અને રાજુલામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાયા હતા. ખાંભાથી ઉના જતો સ્ટેટ હાઈવે 30 મિનિટ સુધી બંધ રહ્યો હતો. સ્ટેટ હાઈવે 30 મિનિટ બંધ રહેતા વાહનચાલકો પરેશાન થયા હતા.

હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે. માછીમારોને છ અને સાત સપ્ટેંબરના દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.