અમદાવાદઃ રાજ્યમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર અને બહુચરાજી મંદિર દર્શનાર્થીઓ માટે 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મળતી જાણકારી અનુસાર કોરોના સંક્રમણ વધતા અંબાજી મંદિર 31 જાન્યુઆરી સુધી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સરકારની ગૃહ વિભાગની ગાઈડલાઈન પ્રમાણે અંબાજી મંદિર, ગબ્બર મંદિર, 51 શક્તિપીઠ પરિક્રમાના માર્ગો તેમજ ટ્રસ્ટ હસ્તકના પેટા મંદિરો 31 જાન્યુઆરી સુધી બંધ રહેશે.


તે સિવાય 31 જાન્યુઆરી સુધી મહેસાણાનું બહુચરાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈ મંદિર ટ્રસ્ટે નિર્ણય લીધો હતો. બહુચરાજી મંદિરમાં ભક્તોને પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.


તે સિવાય આ મંદિરોમાં તમામ પ્રકારના ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો અને જાહેર સમારંભો બંધ રાખવામાં આવ્યા છે. આ અગાઉ દેવસ્થાન ટ્રસ્ટે અંબાજી મંદિરને 22 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેમાં 17મીએ પોષી પૂનમ એટલે કે અંબાજી માતાના પ્રાગટ્ય દિવસના તમામ ધાર્મિક કાર્યક્રમો પણ બંધ રાખવામાં આવ્યા હતા. આ નિર્ણયના કારણે 23મી જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી સોશલ મીડિયાના માધ્યમથી સવાર અને સાંજની આરતીનું પ્રસારણ કરવામાં આવશે. તો આ તરફ મહેસાણાનું બહુચરાજી મંદિર પણ 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે મંદિર ટ્રસ્ટે 31 જાન્યુઆરી સુધી મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.


દેશમાં વધી રહ્યો છે કોરોના 


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,33,533 નવા કેસ નોંધાયા છે અને 525 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,59,168 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 73,804 કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 21,87,205 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 17.78 ટકા છે.  


કેટલું ટેસ્ટિંગ થયું


દેશમાં 22 જાન્યુઆરીએ 19,60,954 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.