અમદાવાદ: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં વરસાદની માહોલ જામ્યો છે. વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ બંને જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂર આવ્યા છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક રસ્તાઓ બંધ કરાયા છે.  6 સ્ટેટ હાઇવે અને પંચાયત હસ્તકના 318 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.  


રાજ્યના 9 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.  વલસાડ જિલ્લામાં આવેલા 98 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાંઆવ્યા છે. જ્યારે  નવસારી જિલ્લામાં 101 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.  


તાપી જિલ્લામાં 47 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે.  પોરબંદર જિલ્લામાં 23 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.  ડાંગ જિલ્લામાં 18 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. જૂનાગઢ જિલ્લાનાં 8 અને ગીર સોમનાથ જિલ્લાના 7 રસ્તા બંધ કરાયા છે.  સુરત જિલ્લામાં 5 રસ્તાઓ  બંધ છે. 


રાજ્યમાં 142 તાલુકાઓ વરસાદ


છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 142 તાલુકાઓ મેઘો કહેર બનીને ત્રાટક્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો છે. ખેરગામ તાલુકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઈંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે.  લેટેસ્ટ અપડેટ પ્રમાણે, નવસારીની અંબિકા નદીમાં વરસાદના પાણીથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે.


નદીના પાણી આજુબાજુના ગામોના ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે. બીલીમોરાથી અમલસાડના રૉડ પરનું ઘોલ ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યુ છે. અંબિકા નદીમાં ઘોડાપુરથી ઘોલ ગામ બેટમાં ફેરવાયું છે. નદીની બાજુમાંથી ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. હાલની સ્થિતિ એવી છે કે, ગામમાં પ્રવેશવાના રસ્તા પર સાતથી નવ ફૂટ સુધીના પાણી ભરાયા છે. નદીકાંઠાની મોટાભાગની આંબાની વાડીઓમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા લોકો જાતે જ સ્થળાંતરીત થવા મજબુર બન્યા છે. નદીના પૂરના પાણીથી લોકોના ઘરોમાં ઘૂસી જતાં ગ્રામજનોને ભારે હાલાકી પડી રહી છે. 


હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે. શ્રાવણના સોમવારે પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.   દક્ષિણ ગુજરાત રીજનના નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.