અમદાવાદ: રાજ્યમાં અતિવૃષ્ટીના કારણે ખેડૂતો ચિંતામાં છે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાનો ડર છે. રાજ્યમાં મેઘ હવે કહેર વરસાવી રહ્યો છે ત્યારે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતી છે. મગફળી, કપાસ જેવા પાકોને મોટું નુકસાન થાય તેવી ખેડૂતોને ભીતિ છે.




અમરેલીમાં આ વર્ષે સારા વરસાદના કારણે મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી જિલ્લામાં અવિરત મેઘમહેર ચાલુ રહેતા કપાસના પાકને માઠી અસર પડી છે. સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી જ ભરાયેલા રહેતા કપાસ સૂકાવા લાગ્યો છે અને ઝીંડવા પણ કાળા પડવા લાગ્યા છે. જેના કારણે ખેડૂતોએ વિઘા દિઠ 6 હજારના નુકસાનનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.


ભાવનગર જિલ્લામાં પણ મેઘરાજાએ ખમૈયા ન કરતા ખેડૂતોની ચિંતા વધી છે. અવિરત વરસાદના કારણે કપાસ, મગફળી, તલ અને જુવારના પાકને નુકસાન પહોંચ્યું છે. ભાવનગરના ભાલ વિસ્તારમાં સૌથી વધુ માઠી અસર પડી છે.


દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં સતત છ દિવસથી અનરાધાર વરસાદ પડતા ધરતીપુત્રો પરેશાન થયા છે. 10 ઈંચ જેટલો વરસાદ પડતા સ્થાનિક ખેડૂતો ચિંતિત થયા છે. રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થતા ઉભા પાકને ભારે નુકસાન જવાની ભીતી છે.