મહાશિવરાત્રીએ જૂનાગઢમાં યોજાતા મેળામાં ચાલુ વર્ષે કોરોનાને લઇ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જયારે સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધિ કરી મેળાની પરંપરા જાળવશે તેવું નકકી કરાયુ છે. ત્યારે મેળાના સમયગાળા દરમ્‍યાન જૂનાગઢમાં બહારથી આવતા પ્રવાસીઓની ભીડ એકત્ર ન થાય તે માટે ગીરનાર પર ચાલતા રોપ વેને આજથી 11 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.


શિવરાત્રીના મેળાના સમયગાળા દરમ્‍યાન જૂનાગઢમાં રોપ વે માં બેસવા માટે મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શકયતા રહેલી છે. જેથી સર્તકતાના ભાગરૂપે શનિવાર તારીખ 6 માર્ચથી થી 11 સુઘી રોપ વે બંધ રાખવાનો નિર્ણય કરાયો હોવાનું રોપ વે નું સંચાલન કરતી કંપનીના અધિકારીએ દાવો કર્યો છે.

નોંધનીય છે કે, આ પહેલા જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષ સ્થાને સાધુ-સંતો સાથે એક બેઠક મળી હતી, જેમાં રૂદ્રેશ્વર જાગીર આશ્રમના ઇન્દ્રભારતી મહારાજ, અન્ય સાધુ-સંતો, મેયર ધીરુભાઈ ગોહેલ, મ્યુ.કમિશ્નર તુષાર સુમેરા, ડીસીએફ ડો.સુનિલ બેરવાલ, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ઉતારા મંડળના ભાવેશ વેકરીયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં પ્રવર્તમાન કોરોના મહામારીને લઈને ભાવિકો માટે મહા શિવરાત્રીનો મેળો મોકૂફ રાખવા માટે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.

કોરોનાને લઈને જેમ લીલી પરિક્રમા મોકૂફ રાખીને માત્ર પરંપરા જાળવવા પ્રતિકાત્મક પરિક્રમાનું આયોજન કર્યું હતું, તેમ મેળા માટે સાધુ-સંતો દ્વારા કેવી રીતે મહા શિવરાત્રીની ઉજવણી કરવી તે નક્કી કરવામાં આવશે, આગામી તા.૭ માર્ચને મહા વદ નોમના દિવસે સાધુ-સંતો દ્વારા સ્નાનવિધિ બાદ ભવનાથ મંદિરે ધ્વજારોહણ પૂજન-અર્ચન કરીને ઉજવણી કરવામાં આવશે, ત્યાર બાદ ક્યાં અખાડામાંથી કેટલા સંતો-સેવકો આવે છે તેના પર રવેડી સહિતના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.

દર વર્ષે મહા શિવરાત્રીના મેળામાં ૧૨ થી ૧૫ લાખ ભાવિકો આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોના મહામારીને લઈને મોટી સંખ્યામાં ભાવિકો એકત્ર ના થાય અને તેઓ ઘરે બેઠા શિવરાત્રીના મેળાની પરંપરાગત ઉજવણી માણી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સાથે મેળામાં આવતા લાખો ભાવિકો અને અન્નક્ષેત્રો પણ ન આવવા ઉતારા મંડળે અપીલ કરી છે.