આજથી ત્રણ દિવસ દ્વારકાનું જગત મંદિર (Dwarkadhish Temple) ભક્તો માટે બંધ રાખવામાં આવશે. 27થી 29 માર્ચ સુધી ભક્તો ભગવાનના ઓનલાઈન દર્શન કરી શકશે. રવિવારે ફૂલડોલ મહોત્સવ (Holi)ની ઉજવણી સાદાઈથી કરવામાં આવશે. હોળાષ્ટક બેસતા જ ભગવાનને દરરોજ સવારે અને સાંજે આરતી દરમ્યાન રંગો વડે પૂજારી પરિવાર હોળી રમે છે. આગામી પૂનમના બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી એક કલાક જગત મંદિર માં બંધ બારણે ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી સાદાઈથી કરવામાં આવશે.
ફૂલડોલ ઉત્સવ દરમિયાન જાહેર જનતા માટે મંદિરમાં પ્રવેશબંધી હોય અને શ્રીજી સંગ ઉત્સવના દર્શન રાબેતા મુજબ થતા હોવાથી આ દર્શનનો લાભ જાહેર જનતા લઈ શકે તે માટે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર દ્વારા રવિવારે બપોરે બે થી ત્રણ વાગ્યા સુધી ફૂલડોલ ઉત્સવના ઓનલાઈન દર્શન સંસ્થાની વેબસાઈટ WWW.DWARKADHISH.ORG ઉપર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
કોરોના વાયરસનો પ્રકોપ જોતા અમદાવાદ (Ahmedabad)માં પણ સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાયના મંદિરોમાં આ વર્ષે હોળી ધુળેટી પર ફૂલડોલ ઉત્સવની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. કોરોનાના વધતા સંક્રમણને લઈ આ નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં આવેલ કુમકુમ મંદિરમાં પણ આ વર્ષે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ૨૦૦ વર્ષથી ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે પરંતુ કોરોનાવાયરસના વધતા સંક્રમણને કારણે એક સાથે વધુ માણસો ભેગા ન થાય તે હેતુથી કાર્યક્રમ મોકૂફ કરાયો છે.
રાજ્યમાં ધુળેટી ઉજવણી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોરોનાનું સંક્રમણ વધતા રાજયનાં વિખ્યાત મંદિરોમા પણ પ્રતિબંધ મૂકાય રહ્યા છે. અને ધાર્મીક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવી રહ્યા છે. દરમિયાન પવિત્ર યાત્રાધામ શકિતપીઠ અંબાજી મંદિરમાં હોળી-ધૂળેટીના પર્વેએ યોજાતો પરંપરાગત ફૂલડોલ ઉત્સવ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે તહેવારોમા મંદિર શ્રધ્ધાળુઓ માટે ખૂલ્લુ રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.