અમદાવાદઃ ગુજરાતના સૌથી મોટા યાત્રાધામ મનાતા અંબાજીમાં બુધવારે ભૂકંપના આંચકાનો અનુભવ થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. ભૂસ્તરશાસ્ત્રીઓ પણ આ ભૂકંપના આંચકાને સારું લક્ષણ નથી માનતા. તેમના મતે આ આંચકો દર્શાવે છે કે, ઘણાં સમયથી નિષ્ક્રિય રહેલી કેમ્બે વેલી રિફ્ટ સક્રિય થઇ છે.

કેમ્બે વેલી રિફ્ટ ગુજરાતમાં આવેલી ભૂકંપની મુખ્ય ત્રણ રિફ્ટ પૈકીની એક છે. ગુજરાતની ભૂકંપની રિફ્ટ પૈકી કચ્છ રિફ્ટ ખૂબ સક્રિય છે, જ્યારે નર્મદા રિફ્ટ સક્રિય અને કેમ્બ વેલી રિફ્ટ થોડી ઓછી સક્રિય છે. આ ત્રણેય રિફ્ટ જ્યાં જોડાય છે ત્યાં ગુજરાતનો પ્રદેશ ફેલાયેલો છે.



કેમ્બે વેલી રિફ્ટ ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં વિસ્તરેલી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી જિલ્લા ઉપરાંત દક્ષિણવર્તી ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ જેવા જિલ્લામાં આ રિફ્ટ વિસ્તરેલી છે. આ રિફ્ટના કારણે મહત્તમ 6 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવી શકે.

જો કે ભૂસ્તરશાસ્ત્રીઓના મતે, થોડા થોડા સમયે નાના આંચકા આવે તેના કારણે આ રિફ્ટ સક્રિય હોવા છતાં મોટા આંચકા ના આવે. નાના આંચકા આવે તેનું તારણ એ છે કે, પ્લેટ્સમાં શક્તિનો સંગ્રહ થવાને બદલે શક્તિનું સ્ફૂરણ થઇ જાય છે. શક્તિ વધુ સંગ્રહાય અને મોટું સ્વરૂપ ધારણ કરે તો ખૂબ મોટા આંચકાની શક્યતા હોય છે.

જો કે અંબાજીમાં આવ્યા એ આ પ્રકારના નાના આંચકા સમયાંતરે આવતાં રહે તો તે સરવાળે નુક્સાનકારક રહેતાં નથી. જો કે વારંવાર આંચકા કે આફ્ટર શોક્સના કારણે લોકોમાં ગભરાટ ફેલાય છે, પરંતુ આ સ્થિતિ જોતાં હવે ગભરાવવાના સ્હેજ પણ જરૂર નથી.