અમદાવાદઃ વાયુ વાવાઝોડું ભલે ગુજરાતના કાંઠેથી ઓમાન તરફ ફંટાયુ હોય પણ તેની અસર સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં 10 કિલોમીટર સુધી જોવા મળી હતી. ગુરુવારે વાવાઝોડાની અસરના લીધે દ્વારકા તટે 80થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના લીધે દ્વારકાધીશ મંદિર પર ચડાવવામાં આવતી પવિત્ર બાવન ગજની ધજાને બદલવી અશક્ય બની હતી. જેના કારણે દ્વારકાના ઈતિહાસમાં પહેલી વખત મંદિર પર બીજી ધજા ચઢાવવામાં આવી હતી.




ઈતિહાસમાં પહેલી વખત દ્વારકાધીશ મંદિર પર 56 ગજની બે ધજા ફરકતી જોવા મળી હતી. આવું દ્વારકાધીશ મંદિરમાં પહેલા ક્યારેય બન્યું નથી. આ બે ધજાઓને જોઈને પહેલા તો લોકોને એવું લાગ્યું કે, ‘વાયુ’ વાવાઝોડાથી દ્વારકાને બચાવવા આ બે ધજા લગાવાઈ હશે, પણ એવું ન હતું.

વાત એમ છે કે, ‘વાયુ’ વાવાઝોડાને પગલે દ્વારકામાં વરસાદ વરસી રહ્યો છે અને દ્વારકાનો દરિયો તો ગાંડોતૂર બન્યો છે, ત્યારે ધ્વજદંડ પર અગાઉથી લગાવાયેલી ધજાને ઉતારવા મંદિરના શિખર પર ચડવાનું રિસ્ક કોઈ લેવા તૈયાર ન હતું અને બીજા એક શ્રદ્ધાળુની ધજા પણ ચડાવવાની હતી, એટલે મંદિરના વહીવટી તંત્રએ નક્કી કર્યું કે, પહેલી ધજા ઉતાર્યા વિના જ બીજી ધજા પણ લગાવી દેવામાં આવે. એ જ કારણથી દ્વારકાધીશ મંદિર પર બે ધજા લગાવવામાં આવી હતી, તે સિવાય બીજું કોઈ કારણ ન હતું.