ગાંધીનગર: દિવાળી બાદ ગમે ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. એવામાં તૈયારીમાં લાગેલું ચૂંટણી પંચ ગુજરાત સરકારથી ભારોભાર નારાજ છે. કારણ છે ચૂંટણી પંચને હજુ સુધી નથી મળી અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગની રિપોર્ટ. જેને લઈ ચૂંટણી પંચે ગુજરાતના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસવડાને નોટિસ આપી છે. અધિકારીઓની બદલી અને પોસ્ટિંગનો તાત્કાલિક રિપોર્ટ માગ્યો છે.
આ નોટિસમાં એ પણ પૂછાયું છે કે, હજુ સુધી કેમ રિપોર્ટ નથી મોકલાયો. ચૂંટણી પહેલાં નિયમ અનુસાર અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ કરવા માટે વારંવાર આદેશ છતાં ગુજરાત સરકારે હજુ રિપોર્ટ નથી મોકલ્યો. મહત્વનું છે કે, 1 ઓગસ્ટે ચૂંટણી પંચે અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે આદેશ આપી 30 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ આપવા કહ્યું હતું. પરંતુ ગુજરાત સરકારે હજુ રિપોર્ટ નથી મોકલ્યો. 19 ઓક્ટોબરે ચૂંટણી પંચ તરફથી ગુજરાતના મુખ્ય સચિવ અને રાજ્યના પોલીસવડાને રિપોર્ટ આપવા માટે પત્ર પણ લખાયો હતો તેમ છતાં હજુ રિપોર્ટ નથી મોકલાયો.
બે તબક્કામાં થઈ શકે છે ગુજરાત વિધાનસભા ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ઓક્ટોબરના અંત સુધીમાં શક્ય છે. સૂત્રોએ જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થઈ શકે છે. પ્રથમ તબક્કો નવેમ્બરના અંતની આસપાસ અને બીજો તબક્કો 4-5 ડિસેમ્બરની આસપાસ હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું કે, હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી પણ 8મી ડિસેમ્બરે થઈ શકે છે. 14મી ગુજરાત વિધાનસભાની મુદત 18 ફેબ્રુઆરી, 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. અગાઉ, ડિસેમ્બર 2017માં 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ભાજપે ચૂંટણી જીતીને પોતાની સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી અને વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યમાં સરકાર બનાવી હતી.
હિમાચલમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને હવે તમામની નજર ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પર છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેનો પ્રથમ તબક્કો નવેમ્બરના છેલ્લા કેટલાક દિવસો દરમિયાન યોજાશે અને બીજો તબક્કો 4 અથવા 5 ડિસેમ્બરે યોજવામાં આવી શકે છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મતગણતરી બંને તબક્કા પૂર્ણ થયાના 3-4 દિવસ પછી એટલે કે 8મી ડિસેમ્બરે એટલે કે હિમાચલ ચૂંટણી માટે જે દિવસે મત ગણતરીની તારીખ નક્કી કરવામાં આવી છે તે જ દિવસે કરવામાં આવશે.
ગુજરાત વિધાનસભા માટે ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કમિશન ગમે ત્યારે તેની જાહેરાત કરી શકે છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને પંચની અનેક ટીમોએ ગુજરાતની મુલાકાત લીધી છે અને સ્થિતિ અને તૈયારીઓનો અહેવાલ લીધો છે. બીજી તરફ ગુજરાતના તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ મતદારોને રીઝવવાનું શરૂ કરી દીધું છે.