Election 2024 Live Update: ‘રોડ નહીં તો વોટ નહીં’, પાટણમાં રાધનપુરના ત્રણ ગામમાં લોકોનો ચૂંટણી બહિષ્કાર

Election 2024 Live Update: લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

gujarati.abplive.com Last Updated: 20 Mar 2024 02:53 PM
સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે

સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારને લઇને વિવાદ સર્જાયો છે, તે હવે ધીમે ધીમે વધી રહ્યો છે. ભાજપે પોતાની બીજી યાદીમાં સાત નામોની જાહેરાત કરી હતી, જેમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર બનાવ્યા હતા, જોકે, ગણતરીના કલાકોમાં જ ભીખાજી દુધાજી ઠાકોરની અટકને લઇને સમગ્ર મતવિસ્તારમાં વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પર ભીખાજીને ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચાઇ રહી છે. હવે આ મામલે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, સોશ્યલ મીડિયા પર પત્રિકા વૉર શરૂ થયુ છે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને એક પત્રિકા વાયરલ થઇ રહી છે.



સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવારની અટકને લઇને વિવાદ વધુ ઘેરો થયો છે, સાબરકાંઠા મતવિસ્તારમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજના નામે એક પત્રિકા વાયરલ થઇ રહી છે, જેમાં ભીખાજીની અટકને લઇને વિવાદ છે. હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ આ પત્રિકા વૉર પુરજોશમાં શરૂ થયુ છે. આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાઇ રહ્યું છે કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઇ છે.

કોંગ્રેસે ગુજરાતમાં વધુ સાત બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે

ગુજરાતમાં કોંગ્રેસ 26 બેઠકો પર પોતાના મજબૂત અને યોગ્ય ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી છે, પરંતુ સીનિયર નેતાઓએ પહેલાથી જ ચૂંટણી લડવાની ના પાડી દેતા હવે મોટી મુશ્કેલી પાર્ટી સામે આવી છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે, કોંગ્રેસે ગુજરાતમાં વધુ સાત બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરી લીધા છે. આમાં છોટા ઉદેપુર, પંચમહાલ, પાટણના ઉમેદવારો ઉપરાંત દાહોદ, આણંદ બેઠકના ઉમેદવારોના નામ નક્કી કરાયા છે. આમાં સાબરકાંઠા બેઠક પર ધારાસભ્ય હા પાડે તો તેમને ઉતારવાની તૈયારી પણ રખાઇ છે. 



સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે સામે આવી રહ્યું છે કે, કોંગ્રેસ છોટા ઉદેપુર બેઠકથી સુખરામ રાઠવાને ઉમેદવાર બનાવશે. પૂર્વ સાંસદ પ્રભાબેન તાવીયાડ દાહોદથી ઉમેદવારી કરશે, પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસના ઉમેદવાર હશે તે નક્કી છે.  આણંદથી અમિત ચાવડાની ઉમેદવારી નક્કી છે. પાટણથી પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઉમેદવારી કરશે. આ ઉપરાંત સાબરકાંઠા બેઠક પરથી તુષાર ચૌધરીને ઉમેદવાર બનાવવાનું આયોજન થઇ રહ્યું છે. તુષાર ચૌધરી તૈયારી દર્શાવશે તો તેમને ઉમેદવાર તરીકે જાહેર કરાશે.

5 પૈકી બે બેઠકની આમ આદમી પાર્ટીએ  માંગ કરી છે

ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. 5 ખાલી પડેલી બેઠક પર ચૂંટણી 7 મેના રોજ યોજાશે. પેટા ચૂંટણીમાં કોંગ્રસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે લડે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે.  બંને પાર્ટી વચ્ચે બેઠક યોજાઇ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 5 પૈકી બે બેઠકની આમ આદમી પાર્ટીએ  માંગ કરી છે. વાઘોડીયા અને માણાવદર બેઠક ફાળવવા AAPએ  માંગણી કરી છે. આગામી બે દિવસમાં ગઠબંધન મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. આ મામલે બંને પક્ષ વચ્ચે  બેઠક મળી હતી. લોકસભા માટે પણ હજુ વધુ બે બેઠકની AAPએ માંગણી કરી છે.  ઉલ્લેખનિય છે કે 26 પૈકીમાંથી  2 બેઠક ગઠબંધન ગઠબંધન અંતર્ગત AAPને ફળવાઇ છે. બાકીની બેઠક  દાહોદ, સુરત, જૂનાગઢ લોકસભા બેઠક પર પરોક્ષ ગઠબંધનની ચર્ચા છે.


ઉલ્લેખનિય છે કે, બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી 26 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.  ગુજરાતની ખાલી પડેલી બેઠકો પર પણ પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો 7 મેના રોજ મતદાન યોજાશે. આ તમામ બેઠકોના પરિણામ  4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે. 


ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી છે.   વિજાપુર, ખંભાત,  વાઘોડિયા,  માણાવદર અને પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાશે.  વિસાવદર બેઠક પણ ખાલી છે પરંતુ આ બેઠકનો પેટા ચૂંટણીમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. 

હેમાંગ વસાવડા પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે

રાજકોટ કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર આવ્યા છે.  રાજકોટથી કોંગ્રેસ ડો.હેમાંગ વસાવડાને મેદાનમાં ઉતારી શકે છે. હેમાંગ વસાવડા પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. રૂપાલા સામે કોંગ્રેસ હેમાંગ વસાવડાને મેદાનમાં ઉતારી શકે છે.


પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડા સુધી પણ ડોક્ટર વસાવડાએ ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. રાષ્ટ્રીય નેતાઓ રાહુલ ગાંધી,મુકુલ વાસનિક સહિતના નેતાઓ સમક્ષ પણ ડો.વસાવડાએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી હતી. એક કે બે દિવસમાં રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે.

પોરબંદર વિધાનસભા પર કોંગ્રેસ ઉમેદવારને લઈ મોટા સમાચાર

પોરબંદર વિધાનસભા પર કોંગ્રેસ ઉમેદવારને લઈ મોટા સમાચાર આવ્યા છે. પોરબંદર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલ ઠકરારે ટિકિટ માંગી છે. પરિમ ઠકરાર 20 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. વિધાનસભાની પેટાચૂંટણી લોકસભા સાથે યોજાવાની છે.

લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા

લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા હતા. પાટણના રાધનપુર તાલુકાના ત્રણ ગામના લોકોએ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો. રોડ નહીં તો વોટ નહીના બેનરો સાથે લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. ગ્રામજનોએ છેલ્લા ઘણા વર્ષોની રોડની માંગ ન સ્વીકારતા બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો. રાધનપુર તાલુકાના નજુપુરા, શેરગઢ અને શબ્દલપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.

પરસોત્તમ રૂપાલાના રાહુલ ગાંધી પર પ્રહાર

ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હમણા તો શક્તિ સામે પણ વાંધો પડ્યો છે. સમજીને પાડે છે કે સમજ્યા વગર, તે સમજાતુ નથી. કોઈકે શક્તિની ઉપાસના કરવા કહ્યું તો તે શક્તિ સામે થયા છે. આ દેશ વિરોધ કરનારાઓના ભરોસે નથી

રંજનબેન ભટ્ટને ભાજપને વડોદરામાં ત્રીજીવાર ટિકિટ આપી ત્યારથી જ વિવાદ શરૂ થયો

રંજનબેન ભટ્ટને ભાજપને વડોદરામાં ત્રીજીવાર ટિકિટ આપી ત્યારથી જ વિવાદ શરૂ થયો છે. ભાજપના જ પૂર્વ નેતા ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના તીખા તેવર બાદ હવે રંજનબેન વિરૂદ્ધ પોસ્ટર વોર શરૂ થયો છે. વડોદરાની ગાંધી પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, ઝવેર નગર સોસાયટી, સંગમ સોસાયટીની બહાર અને ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલય પાસે આવેલી વલ્લભપાર્ક સોસાયટી બહાર કોઈ અજાણ્યા શખ્સોએ રંજનબેન વિરૂદ્ધ પોસ્ટરો લગાવ્યા છે. ‘મોદી તુજ સે વેર નહીં, રંજન તેરી ખેર’ નહીંના શબ્દોનો ઉપયોગ કરી લગાવેલા પોસ્ટર કોની કરામત છે તે કહેવું તો મુશ્કેલ છે. જો કે આ મુદ્દે રંજનબેન અથવા તો ભાજપની પ્રતિક્રિયાની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ગુજરાતમાં કોંગ્રેસ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર

ગુજરાતમાં કોંગ્રેસ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડવાની રણનીતિ તૈયાર કરી રહી છે, પરંતુ સીનિયર નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવાની ચોખ્ખી ના પડતા પાર્ટી નવા ઉમેદવારો માટે મંથન કરી રહી છે. સુત્રો અનુસાર, કોંગ્રેસ એક બે દિવસમાં ત્રીજી યાદી જાહેર કરી શકે છે. આજે સાંજ દિલ્હીમાં કોંગ્રેસ CECની બેઠક મળશે, આ બેઠકમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામ અંગે મંથન કરશે. ખાસ વાત છે કે, આ બેઠકમાં ગુજરાતના 18 ઉમેદવારોના નામ અંગે મંથન થશે. આ ઉપરાંત કોંગ્રેસની CEC બેઠકમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉમેદવારો અંગે પણ ચર્ચા થશે. 

કનુભાઈ કળસરિયાએ થોડા દિવસ અગાઉ સી.આર પાટીલ સાથે બેઠક કરી હતી

ભાવનગરના મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાએ થોડા દિવસ અગાઉ સી.આર પાટીલ સાથે બેઠક કરી હતી. જ્યાં ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર કરાયો હતો પરંતુ બાદમાં મણાર ગામમાં જાહેર સભામાં સંબોધન દરમિયાન સ્પષ્ટતા કરી કે તેઓ ભાજપમાં જોડાશે નહીં. ખેડૂતો માટે જ લડતા રહેશે. જો કે આ વાતને બે દિવસ પણ નથી થયા ને તેમણે પલટી મારી હતી. તેમણે ફરી કહ્યુ કે તેમણે કોઈ જગ્યાએથી ચૂંટણી લડાવવામાં આવે તો તેઓ ભાજપમાં ભળી શકે છે.

લેબજી ઠાકોર સહિતના આગેવાનો પર ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા

ભાજપમાં જોડાનાર ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર સહિતના આગેવાનો પર ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા હતા. ડીસાના સમશેરપુરા ગામે જાહેરસભા દરમિયાન ગેનીબેને કહ્યુ હતું કે  જેના માટે સમાજ ભૂખ્યોને તરસો દોડ્યો એ બંને આજે સમાજની સાથે નથી ઊભા તેનું દુઃખ છે. ભાજપમાં જે ગયા છે તે બધા હારેલા ગયા છે એ બીજાને શું જીતાડવાના.

ઠાકોર સમાજના ગેનીબેન પહેલા દિવસથી આક્રમક પ્રચાર કરી રહ્યા છે

લોકસભા માટે રાજ્યની 26 બેઠકો પૈકી સૌથી વધુ રોચક જંગ બનાસકાંઠામાં જોવા મળ્યો છે. આ બેઠક પર ભાજપે ડૉક્ટર રેખા ચૌધરી તો કોંગ્રેસે ગેનીબેન ઠાકોરને ઉમેદવાર બનાવ્યા છે. મહિલાની સામે મહિલા ઉમેદવાર હોવાથી અહીં ચૂંટણી શરુઆતથી જ જામી છે. ચૌધરી સમાજના શિક્ષિત મહિલા એવા રેખાબેન ચૌધરીની સામે ઠાકોર સમાજના ગેનીબેન પહેલા દિવસથી આક્રમક પ્રચાર કરી રહ્યા છે. બનાસની દિકરી શબ્દને બ્રાન્ડ બનાવી ફાયર બ્રાન્ડ નેતા ગેનીબેન દિકરીને મામેરાની જરુરી ગણાવી મામેરાના રૂપમાં મત માંગી રહ્યા છે.


બનાસકાંઠાની આ ચૂંટણીમાં બેનના પ્રસંગમાં મામેરા શબ્દને લઈને રાજનીતિ જબરજસ્ત ગરમાઈ છે. ત્રણ પરગણા બ્રહ્મ સમાજના ભાજપના સમર્થિત કાર્યક્રમમાં ભાજપના નેતા એવા રતનજીએ ગેનીબેનના મામેરા શબ્દ પર કટાક્ષ પણ કર્યો હતો. મામેરું એક જ વખત હોય વારંવાર નહીં કહી વાવમાં રતનજીએ કટાક્ષ કર્યો હતો. પરંતુ ગેનીબેન પણ કોઈ કસર છોડે એમ નથી. કારણ કે તેમને પહેલા દિવસથી સ્પષ્ટ કરેલું કે મારા વિધાનસભાના પ્રસંગમાં વાવના ભાઈએ મામેરું ભર્યુ હતુ. આ પ્રસંગમાં લોકસભા ક્ષેત્ર અંતર્ગત આવતી તમામ વિધાનસભા બેઠકના ભાઈઓને પહેલીવાર મામેરું ભરવા અપીલ કરી રહું છું.

બ્રેકગ્રાઉન્ડ

Election 2024 Live Update:  લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ તબક્કામાં 17 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. આ તબક્કામાં જે રાજ્યોમાં લોકસભાની બેઠકો માટે મતદાન થવાનું છે તે રાજ્યો માટે ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નોંધનીય છે કે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી છે, જે અંતર્ગત દેશભરમાં સાત તબક્કામાં મતદાન થશે.


પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલ, બીજા તબક્કા માટે 26 એપ્રિલ, ત્રીજા તબક્કા માટે 7 મે, ચોથા તબક્કા માટે 13 મે, પાંચમા તબક્કા માટે 20 મે, છઠ્ઠા તબક્કા માટે 25 મે અને સાતમા તબક્કા માટે 1 જૂને મતદાન થશે. પરિણામ 4 જૂને આવશે. ચૂંટણી પંચે કહ્યું છે કે તે નિષ્પક્ષ, મુક્ત અને સુરક્ષિત લોકસભા ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. પ્રથમ તબક્કા માટે 27 માર્ચ સુધી નામાંકન દાખલ કરી શકાશે. 28મી માર્ચે ફોર્મની ચકાસણી થશે અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 30મી માર્ચ છે.


આ રાજ્યોમાં પ્રથમ તબક્કાની ચૂંટણી


પ્રથમ તબક્કામાં તમિલનાડુમાંથી 29, રાજસ્થાનમાંથી 12, ઉત્તર પ્રદેશમાંથી 8, મધ્યપ્રદેશમાંથી 6, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાંથી 5-5, બિહારમાંથી 4, પશ્ચિમ બંગાળમાંથી 3, અરુણાચલ પ્રદેશ, મણિપુરમાંથી 2-2 મેઘાલય. અને છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબાર ટાપુઓ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને પુડુચેરીમાં 1-1 સીટ પર મતદાન થશે.


ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી રહી છે


ચૂંટણી પંચ સુરક્ષા સંવેદનશીલ રાજ્યો અને ઘટનાઓની સંભાવના ધરાવતા મતવિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોને તૈનાત કરી રહ્યું છે. તમામ જિલ્લાઓમાં સંકલિત કંટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી રહી છે, જે સાત દિવસ અને 24 કલાક કામ કરશે. સંવેદનશીલ મતદાન મથકો પર વેબકાસ્ટિંગની સુવિધા આપવામાં આવશે. પંચની માર્ગદર્શિકાને અનુસરીને, તમામ પોલીસ સ્ટેશનો તેમના સંબંધિત અધિકારક્ષેત્રમાં લાઇસન્સવાળા હથિયારો જમા કરાવી રહ્યા છે. ગુનાહિત છબી ધરાવતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.        

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.